• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલ સેમિમાં

ભુજ, તા.19 : કચ્છ ક્રિકેટ એસોસીએશન સંચાલિત કચ્છમિત્ર-એન્કરવાલા કપ 2025 ક્રિકેટ સ્પર્ધાની એક રોમાંચક મેચમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલ માનકૂવાને આઠ વિકેટે હરાવીને ભુજની વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલે  સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. શ્રી હરિ સ્પોર્ટસ સુખપરના મેદાનમાં રમાયેલી મેચમાં ખાસ ઉપસ્થિત રહેલા માધાપર સ્પોર્ટસના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એનઆરઆઈ જગદીશ વાઘડિયાએ  ટોસ ઉછાળ્યો હતો જે જીતીને માનકૂવાની ટીમે  પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો હતો અને વિક્રાંત રાઠોડના 19, હેત રામાણીના 17 અને અપૂર્વ મહેશ્વરીના 15 રનના યોગદાન સાથે 19.4 ઓવરમાં 111 રન કરીને ઓલઆઉટ થઈ હતી. આ સ્કોરમાં એકસ્ટ્રાના 18 રન રહ્યા હતા. ભુજ તરફથી ઝળકેલા રિશીત ઠક્કર અને નયન બરાડિયાએ 3-3 વિકેટ ઝડપી હતી. 11ના લક્ષ્ય સામે ભુજની ટીમે મેન ઓફ ધ મેચ રિશીત ઠક્કરના 48 અને પર્વ પટેલના 35 રનની મદદથી 15.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 113 રન કરી વિજય સાથે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. માનકૂવાની ટીમના વિકાત રાઠોડને સેકન્ડ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અમ્પાયર તરીકે કૈલાસ પીંડોળિયા અને હીરેન ખિમાણીએ સેવા આપી હતી જ્યારે સ્કોરર તરીકે ઈશ્વર ભંડેરી રહ્યા હતા. કોમેન્ટરી નીલેશ ગોસ્વામીએ કરી હતી. ગ્રાઉન્ડ મેન અંશ આચાર્ય રહ્યા હતા જ્યારે ઈનામો જગદીશ વાઘડિયા અને જાદવજી વેકરિયાના હસ્તે અપાયા હતા.

Panchang

dd