• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

ઘોરાડ સંરક્ષણ ક્ષેત્રે સિદ્ધિ : જમ્પ સ્ટાર્ટ ટેકનિકથી જન્મેલું બચ્ચું નર હોવાની પુષ્ટિ

ભુજ, તા. 21 : વિશ્વની અતિ સંકટગ્રસ્ત પક્ષી પ્રજાતિ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ના સંરક્ષણ માટે હાથ ધરાયેલા વૈજ્ઞાનિક પ્રયાસોમાં વધુ એક ઐતિહાસિક સફળતાનું મોરપીંછ ઉમેરાયું છે અને જમ્પ સ્ટાર્ટ ટેકનિકથી જન્મેલું બચ્ચું નર ઘોરાડ હોવાની પુષ્ટિ થઈ છે. જમ્પ સ્ટાર્ટ ટેકનિક દ્વારા તા. 21 મે, 2026ના અબડાસા તાલુકાના ભાચુંડાથી લાલા ગામ તરફના ગ્રાસલેન્ડમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના બીજા બચ્ચાંનો જન્મ થયો હતો, જે પ્રથમ વખત તા.24 મે, 2026ના કુદરતી આવાસમાં વિચરતું જોવા મળ્યું હતું, જે 150 દિવસથી વધુ સમયથી કુદરતી વાતાવરણમાં સફળતાપૂર્વક જીવિત રહી સ્વતંત્રપણે વિચરણ કરી રહ્યું છે. વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલાં મૂલ્યાંકન, બચ્ચાંની દેખીતી શારીરિક લાક્ષણિકતાઓના આધારે તેની ઓળખ નર તરીકે કરવામાં આવી છે. તેના માથાંના ઉપરના ભાગમાં રાખોડી પીંછાનો અભાવ, ઘેરો કાળો રંગ, પ્રમાણમાં જાડી ગરદન, પગની શારીરિક રચના જેવી લાક્ષણિકતાઓ તેના નર હોવાની ઓળખમાં સહાયક બની છે. - નર ઘોરાડ પ્રજાતિનું અસ્તિત્વ ટકાવવામાં મૂલ્યવાન બનશે : ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણમાં નર ઘોરાડનું કુદરતી આવાસમાં વિકસવું એ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પ્રજાતિની વસ્તી ઓછી હોવાથી આ બાળ ઘોરાડ આગામી સમયમાં પ્રજાતિની વસ્તી વધારવાની દિશામાં મૂલ્યવાન યોગદાન આપી શકે છે. ઘોરાડ મુખ્યત્વે ખુલ્લા ઘાસનાં મેદાનોમાં વસવાટ કરતું પક્ષી છે અને તે તીડ, ભમરા, અન્ય કિટકો, નાના જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઉપરાંત વિવિધ વનસ્પતિનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd