• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

આજે પ્રથમ ટી-20 : ભુવનેશ્વરની વાપસી પર નજર

નવી દિલ્હી, તા. 21 : ભારતીય ટીમ આવતીકાલે અહીં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી-20માં વિસ્ફોટક બેટર્સના બળે જીત મેળવવાના ઈરાદે ઊતરશે. ચાર વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં સ્થાન પામેલા ભુવનેશ્વર કુમાર પર સૌની નજર રહેશે. ભારતીય ટીમનો ટી-20માં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર રેકોર્ડ છે. ભારતીય ટીમ છેલ્લાં સાત વર્ષથી કિવી ધરતી ઉપર કોઈ પણ મેચ હારી નથી. હવે શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં જીતને કાયમ રાખવા ઈચ્છશે. ભારતનું ન્યૂઝીલેન્ડ સામે ટી-20 ઇન્ટરનેશનલમાં પલડું ભારે છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધીમાં કુલ 31 ટી-20 મેચ રમી છે, જેમાંથી 19માં જીત નોંધાવી છે. 11 મેચમાં કિવીને જીત મળી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એક મેચ ટાઈ રહી છે.  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટી-20 મેચ હેગલે ઓવલ મેદાનમાં રમાશે. જેની શરૂઆત ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે થશે. મેચમાં જસપ્રીત બુમરાહને આરામ અપાયા બાદ ફાસ્ટ બોલિંગની જવાબદારી ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ ઉપર રહેશે, જ્યારે વરુણ ચક્રવર્તી પણ પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરી શકે છે.  વંડરબોય વૈભવ સૂર્યવંશીને તક મળે તેવી સંભાવના ઓછી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અભિષેક શર્મા અને સંજુ સેમસનની ઓપનિંગ જોડી ઉપર ફરી ભરોસો વ્યક્ત કરી શકે છે. સ્પિનમાં વરુણની વાપસીના કારણે કુલદીપને બહાર રહેવું પડી શકે છે. આવી જ રીતે અક્ષર પટેલ માટે પણ જગ્યા બનાવવી સરળ રહેશે નહીં. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd