મુંદરા, તા. 21 : તાલુકાનાં નવીનાળ અને શિરાચા
નજીક પસાર થતા અને મુંદરા પોર્ટને સાંકળતા રેલવે ટ્રેક પર માલગાડીની હેડફેટે 13 ગૌવંશનાં કરુણ મૃત્યુ નીપજ્યાં
હતાં. બાલ બ્રહ્માણી મંદિર નજીકના ટ્રેક પર માલગાડીની હડફેટે આવી જવાથી બુધવારે સવારે
લગભગ 9 વાગ્યાના અરસામાં બનેલી ઘટનાથી માલધારીઓ, પશુપાલકો, જીવદયાપ્રેમીઓમાં
એરેરાટી વ્યાપી ગઈ હતી. મોડી સાંજે મળતા સમાચાર મુજબ સ્થળ પર નિયમિત ચારા અને સુરક્ષાની
માંગ સાથે ચક્કાજામ શરૂ કરવામાં આવ્યો હતો. માલધારીઓએ માધ્યમોને જણાવ્યું હતું કે,
13 ગૌવંશ મૃત્યુ પામ્યા છે. એમાં પ્રવીણ ખેતશી ગઢવીના 9, મેઘરાજ હરજી ગઢવીના 3 અને જીવરાજ ભચુ ગઢવીની માલિકીનાં એક પશુનો
સમાવેશ થાય છે. ઝરપરા ઉપસરપંચ માણશીભાઈ ગઢવીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, આવી ઘટના વારંવાર થાય છે, પણ યેનકેન પ્રકારે બહાર આવતી નથી. ફેન્સિંગ અને સુરક્ષાનાં પગલાં લેવાવાં જોઈએ.
પ્રવીણભાઈએ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં 350થી વધુ ગાયો છૂટી પડી કે ખોવાઈ
જવાની ઘટના બની છે. ગાય-ભેંસો તો માલધારીઓની રોજીરોટી છે. અમે ગેટ સુરક્ષા, નિયમિત ચારો વગેરે માગણી મૂકી છે. આલા રાજદે બતિયાએ કહ્યું કે, 5-7 વર્ષ પહેલાં પણ ફેન્સિંગની
માગણી કરી હતી. અનેક રોઝડાં, સૂવર
જેવાં પશુ પણ મૃત્યુ પામી ચૂક્યાં છે. નુકસાન વળતરની માગણી કરાઈ છે. એક સમયે આ ગાયો-
ભેંસોની જ જમીન હતી. દરમિયાન, આ ઘટનામાં હજુ બે ગૌવંશ લાપતા છે
અને બે પગ કપાયેલા ઇજાગ્રસ્તને પશુ રક્ષા કેન્દ્ર
ખાતે સારવાર આપવામાં આવી રહી હોવાનું રતન ગઢવીએ જણાવ્યું હતું. સવારે આ સમાચાર વહેતા
થતાં મોટી સંખ્યામાં ઝરપરા અને આસપાસના ગ્રામજનો, તાલુકા કોંગ્રેસ
પ્રમુખ વિરમ ગઢવી, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ગજુભા જાડેજા,
સંજય બાપટ વિ. સ્થળ પર પહોંચી આવ્યા હતા. બીજીબાજુ રેલવે ટ્રેક પરની
દુર્ઘટના વિશે કંપનીના અધિકારીઓને પૂછતાં ખેદ વ્યકત કરીને સધિયારો આપવા સાથે ઉમેર્યું
કે, આટલો મોટો ટ્રેન વ્યવહાર હોય તો પશુ સંભાળ લેવાની ચરાવનારની
પણ મુખ્ય જવાબદારી બને છે. રેલવે કાયદા એમ જ કહે છે, પણ,
આ દુર્ઘટનાનું દુ:ખ છે, યોગ્ય પગલાંઓ લેવાશે.