જીવરાજ ગઢવી દ્વારા : કોડાય, તા. 21 : કચ્છ ચારણ-ગઢવી સમાજના યુવાનોએ
ક્રિકેટ ટૂર્નામેન્ટની હરાજીના માધ્યમથી સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે અનુકરણીય પહેલ
કરી છે. રમતગમતને શિક્ષણ અને સમાજસેવા સાથે જોડતી આ પહેલ અંતર્ગત ગઢવી કપ-2026ની ચોથી આવૃત્તિના આયોજન માટે
યોજાયેલી ખેલાડીઓની હરાજીમાં કુલ રૂા. 35,60,000 જેટલી માતબર રકમ એકત્રિત થઈ હતી. આ રકમનો ઉપયોગ સમાજના વિદ્યાર્થીઓના
શૈક્ષણિક ઉત્થાન માટે કરવામાં આવશે. ભીમશીબાપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અખિલ
ભારતીય નાઈટ ક્રિકેટ સ્પર્ધા `ગઢવી કપ-2026'ની ચોથી આવૃત્તિ માંડવીના જી.ટી.
ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. 12 ટીમ ભાગ લેશે. હરાજી દરમિયાન 12 ટીમના આઇકોન ખેલાડીઓ માટે ટીમમાલિકો દ્વારા બોલી લગાવવામાં આવી
હતી. હરાજી ઉપરાંત સ્પર્ધાના મુખ્ય સ્પોન્સર જે.કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા રૂા. 5.51 લાખ, કો-સ્પોન્સર હરિ ભારા મોવર દ્વારા રૂા. 2.51 લાખ, સોનલ કૃપા દિનેશ ગઢવી દ્વારા રૂા. 2.11 લાખ, ઓશિયન પ્રાઇડના પ્રદીપ બલવાણી દ્વારા રૂા. 1.51 લાખ, પ્રભુભાઈ રામભાઈ ગેલવા દ્વારા રૂા. 1 લાખ,
ભારુ રામ ગઢવી દ્વારા રૂા. 51,000 અને કાંડાગરાના સરપંચ ડાયા ગઢવી દ્વારા રૂા. 51,000નું યોગદાન આપવામાં આવ્યું
હતું. અન્ય દાતાઓના સહયોગથી હરાજીના દિવસે કુલ રૂા. 35.60 લાખ જેટલી રકમ એકત્રિત થઈ હતી.
સૌથી વધુ રૂા. 5.51 લાખની બોલી દીપક ગઢવી અને રૂા.
3.11 લાખ આસારિયા ગઢવી પર લાગી હતી.
આ પ્રસંગે ચારણ સમાજની દીકરી નાગશ્રીબેન દેવરાજ ગઢવીને વિદેશમાં ડોક્ટરનો અભ્યાસ કરવા
માટે ભીમશીબાપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂા. ત્રણ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત
ટ્રસ્ટ દ્વારા એક વિદ્યાર્થીના ચાર વર્ષના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી
પણ લેવામાં આવી છે. આ પ્રસંગે સમાજના મોભી ભીમશીબાપા ગઢવી, અખિલ કચ્છ ચારણ સભાના ઉપપ્રમુખ દેવરાજ હરિભાઈ
ગઢવી, કુમાર બોર્ડિંગના સંચાલક રાણશી ગઢવી, સોનલબીજ ઉત્સવ સમિતિના પ્રમુખ ઈશ્વર ગઢવી, ભીમશીબાપા
ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દયાલ ગઢવી, હરિ મોવર (ઝરપરા),
વાલજી ગઢવી, ભારુ ગઢવી, ખીમરાજ
ગઢવી, પુનશી ગઢવી (આદિપુર) ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હરેશ ગઢવીએ હતી. આભારવિધિ ટ્રસ્ટના પ્રમુખ દયાલ
ગઢવીએ કરી હતી, વ્યવસ્થા ખુશાલ ગઢવી અને બોર્ડિંગના વિદ્યાર્થીઓ
દ્વારા સંભાળવામાં આવી હતી.