ગાંધીધામ, તા. 21 : ગાંધીધામ મહાનગરપાલિકા અને
પાણી પુરવઠા બોર્ડની ગંભીર બેદરકારીના કારણે પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાય છે.
ચાર દિવસનું કહીને નવમા દિવસે પણ લોકોને પીવાનું પાણી ન મળતાં વિવિધ વિસ્તારોના લોકો
આક્રોશ સાથે મહાનગરપાલિકા પહોંચ્યા હતા. મેયર તથા અધિકારીઓને રજૂઆતો કરી હતી. દરમિયાન
મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તાબડતોબ ટપ્પર ડેમ અને વરસામેડી
પહોંચીને સમીક્ષા કરી હતી. મહાનગરપાલિકાના વહી-વટી તંત્ર દ્વારા રામબાગ પાણીના ટાંકા
ઉપર મુખ્ય લાઈનમાં વાલ્વ બેસાડવા અને મરંમતની કામગીરી માટે 14 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર દરમિયાન ચાર દિવસ માટે
પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરી હતી. મહાનગરપાલિકાનું કામ તો ત્રણ દિવસમાં પૂર્ણ થઈ ગયું
હતું. તેવામાં પાણી પુરવઠા બોર્ડની ટપ્પર ડેમ
ઉપરની બે મોટર બંધ થઈ જતાં નવમા દિવસે પણ લોકોને પીવાનું પાણી ન મળતાં આક્રોશ જોવા
મળ્યો છે. એક બાજુ મહાનગરપાલિકાનું પીવાનું પાણી મળતું નથી, બીજી બાજુ ખાનગી ટેન્કરના 1500 રૂપિયા થઈ જતાં ગરીબ અને મધ્યમ
વર્ગીય પરિવારોને પીવાનું પાણી વેચાતું લેવું આઘાત સમાન બન્યું છે. અસહ્ય મોંઘવારીમાં લોકો માંડ-માંડ પોતાનું ઘર ચલાવી
રહ્યા છે. તેવામાં એક ટેન્કરના 1500 રૂપિયા દેવા તેમના માટે અત્યંત
મુશ્કેલ બન્યું છે, લોકો ફરિયાદો
કરે છે પણ સમસ્યાનું સમાધાન આવતું નથી. બુધવારે મહાનગર-પાલિકામાં ગાંધીધામના સોનલનગર
સહિતના વિસ્તારોના લોકો મેયર પાસે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી, તો અંતરજાળ સહિતના ગ્રામીણ વિસ્તારના લોકો પાણી વિભાગના અધિકારીઓ પાસે પહોંચ્યા
હતા. પીવાના પાણીની ગંભીર કટોકટીના પગલે લોકો હેરાન થઈ રહ્યા છે, તેમ છતાં ગાંધીધામથી લઈને ભુજ સુધીમાં આ સમસ્યાનું સમાધાન લાવવામાં અધિકારીઓ
અને જન પ્રતિનિધિઓ નિષ્ફળ નિવડી રહ્યા છે. પાણી પુરવઠા બોર્ડની વ્યવસ્થાનો અભાવ લોકો
ઉપર ભારી પડી રહ્યો છે. ટપ્પરમાં એક સાથે બે મોટર બંધ થતાં પાણીમાં આપાતકાળ જેવી સ્થિતિ
સર્જાય છે. મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દવેરા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ
શેઠ ટપ્પર અને વરસામેડી પહોંચ્યા હતા અને સમીક્ષા કરી હતી, તો
પાણી સમિતિના ચેરમેન મોહનભાઈ ગોરી અહીં સ્થાનિકે લોકોને જવાબો આપી રહ્યા છે અને વિતરણ
વ્યવસ્થા સંભાળી રહ્યા છે, પરંતુ પાણીનો પૂરતો જથ્થો ન મળતાં
સ્થિતિ વિકટ બનતી જાય છે. આ સમસ્યાનું સમાધાન ઝડપથી આવે તે દિશામાં પ્રયાસ કરવા અત્યંત
જરૂરી છે.