ભુજ, તા. 21 : જિલ્લાના ફુલાય તથા આસપાસના
વિસ્તારોમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ હાથ ધરવા સામે સ્થાનિક ગ્રામજનોમાં ગંભીર ચિંતા
અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ બાબતે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને નખત્રાણા
તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશ એમ. આહિરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
તથા કચ્છ કલેક્ટરને લેખિત રજૂઆત કરી પ્રોજેક્ટની કામગીરી સામે તાત્કાલિક તપાસ કરી યોગ્ય
કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ પ્રોજેક્ટના કારણે ફુલાય, તલ, છારી, લૈયારી, મોતીચુર, અજુરિયાવાંઢ,
પૈયા, વેડહાર, ગેચડો અને
ફીરોવાંઢ તલવાંઢ સહિતના ગામોના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોની રજૂઆત મુજબ, પ્રોજેક્ટનું કેટલુંક કામ ગામની હદ અને રહેણાક
વિસ્તારથી માત્ર 500 મીટર કે તેથી
ઓછા અંતરે ચાલી રહ્યું છે, જેને ગામતળથી
ઓછામાં ઓછા એક કિ.મી. દૂર રાખવાની માંગ કરવામાં આવી છે. પ્રોજેક્ટને કારણે ગ્રામજનોના આવાગમનના રસ્તાઓ,
પશુઓના ચરિયાણ , પાણી, ખેતી,
પશુપાલન અને પરંપરાગત આજીવિકા ઉપર મોટી મુશ્કેલી ઊભી થઈ હોવાની જિ.પં.
વિપક્ષી નેતા રાજેશ આહિરે રજૂઆત કરતાં ઉમેર્યું હતું કે, પ્રોજેક્ટ
વિસ્તારની અંદર કે આસપાસ આવેલા ડેમ, તળાવો, કુદરતી જળમાર્ગો અને અન્ય જળસ્રોતોને નુકસાન કે અવરોધ ન થાય જોવા અનુરોધ કર્યો
હતો. પ્રોજેક્ટની કામગીરીથી કુદરતી પર્યાવરણ,
વનસ્પતિ, વન્યજીવો, ઘાસ ચરિયાણની
જમીન અને કુદરતી સંસાધનો પર થતી અસરો અંગે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થાય વિવિધ ગામના
સરપંચો આગેવાનો જોડાયા હતાં.