ભારતીય બંધારણમાં ધર્મના આચરણ બાબતે સ્વતંત્રતા અપાયેલી છે.
કોઈ પણ નાગરિક તેની પસંદગી મુજબના ધર્મનું પાલન કરી શકે છે. આવામાં પોતાના વ્યક્તિગત
લાભ માટે થઈને કરાતા ધર્મ પરિવર્તનના વધી રહેલા કિસ્સામાં હવે સર્વોચ્ચ અદાલતે પોતાનું
વલણ સ્પષ્ટ કરી દીધું છે. ખાસ તો ધર્મ પરિવર્તનના આધારે અનામતની કોઈ શ્રેણીનો લાભ લેનારાને
રોકવાના મદ્રાસ વડી અદાલતના આદેશમાં દખલગીરીનો ઈન્કાર કરીને સર્વોચ્ચ અદાલતે તામિલનાડુ
સરકારને આંચકો આપ્યો છે. તામિલનાડુમાં ઈસ્લામ ધર્મ અંગીકાર કરનારને માત્ર ધર્મ પરિવર્તનના
આધારે પછાત મુસ્લિમ વર્ગના દરજ્જા તળે અનામતનો લાભ આપવાની રાજ્ય સરકારની વ્યવસ્થાને
હવે અદાલતે બ્રેક મારી દીધી છે. અદાલતનાં સ્પષ્ટ
વલણથી અનામતની પાત્રતા, બંધારણીય મર્યાદા
અને રાજકીય નીતિ રીતિ પર વધુ એક વખત ચર્ચા છેડાઈ છે. ચિત્ર સ્પષ્ટ છે કે, માત્ર ધર્મ પરિવર્તનના આધારે અનામતમાં પ્રવેશ થઈ શકે નહીં. અનામતની મૂળ વ્યવસ્થા
ઐતિહાસિક ભેદભાવ અને સામાજિક ભેદભાવની સામે વિકાસની તક આપવા માટેની રહી છે. તામિલનાડુ
સરકારે માર્ચ 2024માં એવી વ્યવસ્થા
બનાવી હતી, જેમાં અલગ અલગ અનુસુચિત
જાતિ અને જનજાતિમાંથી ઈસ્લામ ધર્મ અંગીકાર કરનારાને પછાત મુસ્લિમ વર્ગનું પ્રમાણપત્ર
આપીને અનામતનો લાભ આપવો શરૂ કર્યો હતો. મદ્રાસ વડી અદાલતે આ વ્યવસ્થાને રદ કરતો આદેશ
આપ્યો હતો. વડી અદાલતના આ આદેશ સામે રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી,
હવે સુપ્રીમ કોર્ટે વડી અદાલતના આદેશમાં દખલગીરી કરવાનો ઈન્કાર કરી દીધો
છે. ન્યાયતંત્રનો આ ઘટનાક્રમ બતાવે છે કે, સમાજિક ન્યાય માટે
બનાવેલી સરકારી નીતિ પણ બંધારણીય જોગવાઈઓ અને પાત્રતાના નિયત નિયમોથી પર રહી શકે નહીં.
ન્યાયતંત્રના આદેશનું એક મહત્ત્વનું પાસું એ છે કે, અનામત માટેની
અલગ અલગ શ્રેણીઓને એક ત્રાજવે તોલી શકાય નહીં. બંધારણની કલમ 341 મુજબ અનુસચિત જાતિનો દરજ્જો
નિયંત્રિત કરાયેલો છે. અન્ય પછાતવર્ગો માટેની
ઓળખ અને પાત્રતા માટે અલગ કાયદાકીય આધાર રખાયો છે. કોઈ પણ સમુદાય માટે અનામતનો લાભ
આપવાની જાહેરાત માત્ર પુરતી નથી હોતી. આ જાહેરાતની કાયદેસરતા અને તેનાથી અનામતની મૂળ
ભાવના પર પડનારી અસર પર પણ ધ્યાન અપાવું જોઈએ. આ માટે પાત્રતાના નિયમ સ્પષ્ટ ન હોય, તો વિવાદ વધી શકે છે અને અદાલતમાં મામલો પહોંચી
શકે છે. આવામાં ખરેખર જરૂરતમંદોના હિત પર અસર પડી શકે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા
પરથી સ્પષ્ટ છે કે, ધાર્મિક સ્વતંત્રતા અને અનામતની પાત્રતા બે
અલગ અલગ બાબત છે. ખરેખર તો સમાજિક ન્યાયની ભાવના અને નીતિને રાજકીય મુનસફી મુજબ અમલ
કરી શકાય નહીં.