ભુજ, તા. 21 : ઇન્સ્ટાગ્રામમાં નોટોના બંડલના
ફોટા નાખી એકના બદલામાં ત્રણ લાખની લાલચ આપી લોકોને છેતરવાના પ્રયાસ બદલ કનૈયાબેના
બે શખ્સને પદ્ધર પોલીસે ઝડપી પાડયા છે, જ્યારે આ કામનો કનૈયાબેનો અન્ય એક શખ્સ દરોડા દરમ્યાન હાજર ન મળતાં તેને ઝડપવા
પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આજે પદ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી
મળી કે, મામદ હનીફ આમદશા શેખ, ગુલામ આમદશા
શેખ તથા સમીર નુરશા શેખ (રહે. ત્રણે કનૈયાબે) લોકો સાથે છેતરપિંડી કરવા સોશિયલ મીડિયા-ઇન્સ્ટાગ્રામની
આઇ.ડી.માં ચલણી નોટોના બંડલોના ફોટો મૂકી જાળ બિછાવી છે. હાલ તેઓ તેમના કબજાની બલેનો
કાર નં. જી.જે.-12-ઇ.ઇ.-5355વાળીમાં કનૈયાબેથી આગળ ભુજ-ભચાઉ
ધોરીમાર્ગ પર કુ બુલ્ટ રિન્યુએબલ કંપની પાસે હાજર છે. આ બાતમીના આધારે પદ્ધર પોલીસે
દરોડો પાડી બાતમીવાળી કારમાંથી મામદ અને સમીરને ઝડપી તેના મોબાઇલ ચકાસતાં 500ના દરની નોટોના બંડલોના ફોટા
મળ્યા હતા, જે અંગે પોલીસે પૂછતાં
પોતે બંને તથા ગુલામહુસેન આમદશા શેખ (કનૈયાબે) ત્રણે સાથે મળી ઇન્સ્ટાગ્રામની આઇ.ડી.માં
આ બંડલોના ફોટા ઇન્સ્ટાગ્રામની આઇ.ડી.માં અપલોડ કરી રૂા. એક લાખના બદલામાં ત્રણ લાખ આપવાની જાહેરાત મૂકી લોકો સાથે સંપર્ક કરી તેઓને
વિશ્વાસમાં લઇ છેતરવાનો પ્રયાસ કરતા હતા. પદ્ધર પોલીસે બે મોબાઇલ કિં. રૂા. 20 હજાર, કાર કિં. રૂા. પાંચ લાખ એમ કુલ રૂા. 5,20,000નો મુદ્દામાલ કબજે લઇ ત્રણે
વિરુદ્ધ ગુનો દાખલ કરી હાજર ન મળેલા આરોપી ગુલામને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.