કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પોતાનો ભૂભાગ ગણાવવા સતત કૂદી
રહેલા ચીનને ભારતના વિદેશ મંત્રાલયે ચોખ્ખું કહી દીધું છે કે, લદ્દાખ અમારું જ છે અને અમારું રહેશે. ઈતિહાસમાં
એ પ્રકરણ દર્જ છે કે ચીને આપણી જમીન ઉપર કબજો કરી લીધો અને આપણે તે સ્વીકારી લેવું
પડયું. હજી ચીન આવા દાવા કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા રણધીર જયસ્વાલે
કહ્યું કે, અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ
ભારતનું અભિન્ન અંગ છે. ચીન ના પાડે એટલે આ તથ્ય બદલાતું નથી. આનો અર્થ એ થયો કે આજનું
ભારત કહે છે કે અમે ઈતિહાસનું પુનરાવર્તન થવા નહીં દઈએ, ભૂગોળને
બદલવા નહીં દઈએ. ભારત સરકારના ગૃહ મંત્રાલયે લદ્દાખ સ્થિત 28 જેટલાં સ્થળની વિશેષ ઓળખ સાથે
તેના નામ આપ્યાં છે. આ જાહેર કરતાં પૂર્વે સ્થાનિક હિત ધરાવતા તમામ લોકો સાથે પણ સરકારે
વાત કરી છે. `સર્વે ઓફ ઈન્ડિયા'માં લદ્દાખના નકશાની ઓળખ કરવાનો હેતુ જ એ હતો
કે, સામાન્ય પ્રજામાં આ સ્થળો વિશે જાગૃતિ ફેલાય. ચીનના વિદેશ
મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે બિજિંગમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે,
આખું લદ્દાખ અમારું છે, ભારત જેને કેન્દ્રશાસિત
પ્રદેશ કહે છે તે લદ્દાખને ચીને ક્યારેય માન્યતા આપી નથી. ચીનના વિદેશ મંત્રાલયે પત્રકારોના પ્રશ્નનો જવાબ
આપતાં આ વાત કરી હતી. કારણ કે, 2 ઓક્ટોબરે ભારતે લદ્દાખના 28 વ્યૂહાત્મક સ્થળની વિગત જાહેર કરી હતી. ચીનની `કાર્ટોગ્રાફિક આક્રમકતા'નો આ સજ્જડ જવાબ છે. ચીનને આનાથી પેટમાં બળતરા
ઉપડે તે સ્વાભાવિક છે. આમ પણ ચીનનું વલણ બેવડું છે. પોતે તિબેટ અને અક્સાઈ ચીન ઉપર
કબજો જમાવીને બેઠું છે અને અન્યના સાર્વભૌમત્વ ઉપર તે પ્રશ્નો ઊભા કરે છે. ભારતની કૂટનીતિક
કુનેહ અહીં એ રીતે છે કે ફક્ત પ્રતિક્રિયા આપવાને બદલે તેણે 28 સ્થળનું સત્તાવાર નકશીકરણ કરીને
ચીનને તેની જ ભાષામાં જવાબ આપી દીધો છે. ચીન જો કે,
ઐતિહાસિક તથ્યોની પણ અહીં અવગણના કરે છે. સમયાંતરે લદ્દાખ કે અરુણાચલ
પ્રદેશ પર પોતાનો દાવો કરીને બીજિંગ પરોક્ષ લડાઇ લડી રહ્યું છે. તેનો હેતુ ભારતને બેચેન
રાખવાનો હોય તેમ સમજાય છે. લદ્દાખ અને તિબેટ વચ્ચે છેક 1684માં થયેલી તિંગમોસગંગની સંધિમાં
બંને ક્ષેત્રની સીમા નક્કી થઈ હતી. તે સંધિમાં પણ સ્પષ્ટ છે કે, લદ્દાખ હંમેશાં એક અલગ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું
હતું. 1842ની યુશુલ સંધિ પણ મહત્ત્વની
છે, તેમાં સ્વીકારાયેલી સીમાઓમાં પણ ક્યારેય લદ્દાખ
ચીનના સાર્વભૌમત્વમાં નહોતું. 1950માં ચીને ભારતના અક્સાઈ ચીન વિસ્તારમાં શિનજિયાંગ તિબેટ હાઈવે
બનાવ્યો હતો. યુદ્ધ પછી ચીને 38000 ચોરસ કિલોમીટર
વિસ્તારમાં કબજો કર્યો છે. ગોગરા અને દોટ સ્પ્રિંગ સહિતના વિસ્તારના નામ બદલવામાં આવ્યાં
છે એ માત્ર ભૌગોલિક જગ્યા જ નથી, પરંતુ
લશ્કરી જાપ્તો રાખવાના વ્યૂહાત્મક મથક છે. ચીન પોતે ગેરકાયદે કબજો કરનાર છે અને હવે
તે લદ્દાખ ઉપર દાવા કરે છે. જો કે, કેન્દ્ર સરકાર આ મુદ્દે અત્યંત
મક્કમ છે. વિદેશ મંત્રાલયે આપેલો પ્રત્યુત્તર તેનો તાજો પુરાવો છે.