ભુજ, તા. 21 : ટ્રાન્સપોર્ટના ભાડાં પેટે
બિલોની નીકળતી રકમમાં આપેલા પાંચ ચેક પરત ફરતાં જામનગરના આરોપી જયવંતસિંહ ચૂડાસમાને
કોર્ટે તકસીરવાન ઠેરવી બે વર્ષની જેલની સજા તથા ચેકોની રકમ રૂા. 97.50 લાખ વળતર પેટે ચૂકવી આપવા કોર્ટે
હુકમ કર્યો છે. અગ્રવાલ કાર્ગો મૂવર્સ પ્રોપરાઈટરશિપ ફર્મ છે અને પ્રદીપકુમાર ફકીરચંદ
બંસલ તેના પ્રોપરાઈટર છે, ફરિયાદી પેઢી
ફ્લીટ ઓર્નસ અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રેક્ટર છે અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તહોમતદાર
જયવંતસિંહ ચૂડાસમા (રહે. જામનગર)એ ફરિયાદીને ટ્રાન્સપોર્ટનું કામ આપેલું અને તેના ભાડાં
પેટે ફરિયાદીએ વખતોવખત બિલો આપ્યાં હતાં. તહોમતદારે એક માસમાં બિલની રકમ ચૂકવી આપવાની
હતી. તહોમતદાર સામે રૂા. 2,60,04,333 બાકી નીકળે છે. તે બાકી નીકળતી રકમ પેટે તહોમતદારે રૂા. 19,50,000નો એક એવા કુલ પાંચ ચેકો ફરિયાદીની
તરફેણમાં બાકી નીકળતી રકમ પેટે આપ્યા હતા, જે પરત ફરતાં દાખલ થયેલા કેસમાં કોર્ટે તહોમદારને તકસીરવાન ઠરાવીને 2 વર્ષ જેલની સજા અને ચેકોની રકમ રૂા. 97,50,000 વળતર પેટે ચૂકવી આપવા હુકમ
ફરમાવ્યો છે તથા વળતરની રકમ રૂા. 97,50,000 મહેસૂલી રાહે વસૂલ કરવા કલેક્ટર જામનગરને હુકમ ફરમાવ્યો છે.
ફરિયાદી વતી એડવોકેટ વી. પી. આલવાણી, વર્ષા વિશાલ કાનન, વિશાલ એલ. કાનન હાજર રહ્યા હતા. - વડાલા ખૂન કેસમાં આરોપી નિર્દોષ
: આ કેસની વિગત મુજબ, મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાં આરોપી વાલા નાગશી
ગઢવી સામે ખૂન કેસમાં તા. 26/4/2022ના ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં 28 મૌખિક સાક્ષીને તપાસવામાં આવ્યા
અને 46 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં
આવ્યા હતા. આરોપી વતી એડવોકેટે દલીલ કરી હતી કે,
ફરિયાદ પક્ષનો સમગ્ર કેસ સાંયોગિક પુરાવા પર આધારિત હોઈ આ કેસમાં તમામ
હકીકત એકબીજાની સાથે સંકળાવી જોઈએ કે જેનાથી આરોપી સિવાય હાલનો ગુનો કોઈ કરી જ ન શકે એવું પુરવાર થાય,
પરંતુ મૃત્યુ પામનારના પત્ની તથા પુત્રીએ અન્ય વ્યક્તિઓ પર શંકા દર્શાવી.
આ ઉપરાંત ફરિયાદ પક્ષે રજૂ તમામ પુરાવા ધ્યાને લેતાં આરોપીને આક્ષેપિત ગુનામાં સાંકળી
શકાય તેવો કોઈ જ પુરાવો રજૂ થયો ન હોઇ આરોપીને નિર્દોષ છોડવા દલીલો કરાયા બાદ ભુજની
સેસન્સ અદાલત દ્વારા નિર્દોષ છોડવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે આર.
એસ. ગઢવી, વિનીત જી. ચૌધરી, શિવમ બી. સોલંકી,
વિશ્વા એન. પરમાર, એસ. એચ. જેઠી હાજર રહ્યા હતા.
- ચેક પરતમાં આરોપી નિર્દોષ : રૂા. 5,45,000ના ચેક પરત ફરવાના કેસમાં આરોપી ખેડૂત બાબુભાઈ બીજલભાઈ કોલીને
બચાવ પક્ષની દલીલો ધ્યાને લઈ ભુજના સિનિયર સિવિલ જજ અને એડિ. ચીફ જ્યુ. મેજિ. કે.સી.
જોશીએ આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો આપ્યો છે. આરોપી પક્ષે એડવોકેટ હરેશ એમ.
મહેશ્વરી, લાલજી એલ. બુચિયા, યશ
ગોર હાજર રહ્યા હતા.