દુશાન્બે, તા. 20 : શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ની
`કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટ'ની બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના
ડેપ્યૂટી પ્રાઇમ મિનિસ્ટર ઇશાક ડારની હાજરીમાં આતંકવાદ સામે ભારતનું કડક વલણ ફરી એકવાર
સ્પષ્ટ કર્યું હતું. દુશાન્બેમાં યોજાયેલી આ બેઠકને સંબોધિત કરતાં તેમણે ભારપૂર્વક
જણાવ્યું હતું કે, આજની દુનિયામાં આતંકવાદ શાંતિ અને વિકાસ માટે
સૌથી ગંભીર જોખમોમાંનો એક છે. આતંકવાદનાં કારણે માત્ર નિર્દોષ લોકોના જીવ જ નથી જતા,
પરંતુ વેપાર, રોકાણ અને યુવાનોનું ભવિષ્ય પણ અસરગ્રસ્ત
થાય છે. સિંહે પાકની પરોક્ષ ઝાટકણી કાઢતાં
કહ્યું હતું કે, `આતંકવાદને
કોઈપણ પ્રકારે યોગ્ય ઠેરવી શકાય નહીં અને આ બાબતે કોઈ બેવડાં ધોરણો ન હોવાં જોઈએ. ત્રાસવાદીઓને
નાણાકીય સહાય પૂરી પાડનારા, તેમને સમર્થન
આપનારા અને આશ્રય આપનારાઓ સામે કડક અને સામૂહિક કાર્યવાહી કરવી જોઈએ. આતંકવાદની સમગ્ર
ઇકોસિસ્ટમને જડમૂળથી અને મજબૂતાઈથી ખતમ કરવી અનિવાર્ય છે.' ઉલ્લેખનીય
છે કે, અગાઉ 15 ઓક્ટોબરના સરહદ પારના આતંકવાદ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરતાં
સિંહે ચેતવણી આપી હતી કે, પાકિસ્તાન
તરફથી ભવિષ્યમાં કોઈ પણ આતંકી હરકત થશે તો તેનો ખૂબ કડક જવાબ આપવામાં આવશે. ભારતની
સંસ્કૃતિ વાતચીત અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વમાં માને છે, પરંતુ
શાંતિ માટેની આપણી પ્રતિબદ્ધતાને ક્યારેય આપણી કમજોરી ન સમજવી જોઈએ. દુશાન્બે ખાતે યોજાયેલી આ એસસીઓ બેઠક દરમિયાન સિંહે
તાજાકિસ્તાનના વડાપ્રધાન કોહિર રસૂલઝોદા અને ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રઝા આરિફ
સાથે પણ દ્વિપક્ષી મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પર માહિતી આપતાં તેમણે તાજાકિસ્તાન
સાથેના લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધો અને ગાઢ લોક-સંપર્ક પર ભાર મૂક્યો હતો,
તેમજ ઈરાનના નેતા સાથેની મુલાકાતને પણ સંતોષકારક ગણાવી હતી.