• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

રાપર નગરપાલિકાની મેગા ડ્રાઇવ : ચાર ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

રાપર, તા. 21 : રાપર શહેરને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવાના હેતુથી રાપર નગરપાલિકા દ્વારા `સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત ચાકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે નંદાસર રોડ સહિતના વિસ્તારોમાં સઘન તપાસ દરમિયાન એક ગોડાઉનમાંથી આશરે ચાર ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડી જપ્ત કર્યો હતો. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ કરવા બદલ રૂા. પાંચ હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપાસિંહ ઝાલાનાં માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર હસમુખજી ઠાકોર અને સુપરવાઇઝર ધર્મેન્દ્રાસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અર્બુદા ટ્રેડર્સનાં ગોડાઉનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકથી ભરેલા થેલાઓ અને બોક્સ મળી આવતાં નગરપાલિકાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આશરે ચાર ટન જેટલો આશરે ચાર લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો. નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ચાકિંગ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે. શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા સિંગલ યુઝ પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકની થેલીને બદલે કપડાંની થેલી વાપરવાની અપીલ કરી જો કોઈ દુકાન કે એકમમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવશે તો સંબંધિતો સામે દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જરૂરિયાત મુજબ એકમને સીલ કરવા સુધીનાં પગલાં લેવાની પણ ચેતવણી મુખ્ય અધિકારી દ્વારા આપવામાં આવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd