• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

નવી ઊર્જા : અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જામનગર રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લીધી

જામનગર / નવી દિલ્હી, તા. 21 : તાજેતરના સમયમાં સંબંધોમાં આવેલી ખટાશ છતાં ભારત અને અમેરિકા એકતરફ ટ્રેડ ડીલની નજીક છે, તો બીજીતરફ ઊર્જા ક્ષેત્રે પણ સહયોગ વધી રહ્યો છે. ભારતની તેલ રિફાઇનિંગ ક્ષમતાઓ સુધી વધુ પહોંચ તથા ભારત દ્વારા અમેરિકા પાસેથી એનર્જીની વધુ ખરીદી અને ભારતીય કંપનીઓના રોકાણના ઉદ્દેશ સાથે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે એકતરફ અગ્રણી ઉદ્યોગપતિ અદાણી જૂથના ગૌતમભાઇ અદાણી અને ટાટા ગ્રુપના એમ. ચંદ્રશેખરને મળ્યા બાદ જામનગર ખાતેની રિલાયન્સની વિશ્વની સૌથી મોટી `િસંગલ સાઇટ' તેલ રિફાઇનરીની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાતને ભારત સાથે ઊર્જા સહકાર વધુ સઘન બનાવવાના ટ્રમ્પના પ્રયાસરૂપે જોવાઇ રહી છે. મુલાકાતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે, રૂબિયો, તેમના પત્ની જીનેટ ડૌસડેબ્સ, ભારત ખાતેના અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે જામનગરમાં ઓઇલ રિફાઇનિંગ કોમ્પ્લેક્સ, વનતારા વન્યજીવન બચાવ અને સંરક્ષણ કેન્દ્ર અને રિલાયન્સના ઊભરતા સ્વચ્છ-ઊર્જા ઉત્પાદન કેન્દ્રની મુલાકાત લીધી હતી. રિલાયન્સના અબજોપતિ ચેરમેન મુકેશ અંબાણીની આગેવાની હેઠળ લગભગ સમગ્ર અંબાણી પરિવારે યુ.એસ. પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. હાજર રહેલા લોકોમાં તેમના પત્ની નીતા અંબાણી, પુત્રી ઇશા અંબાણી અને તેમના પતિ આનંદ પિરામલ, નાના પુત્ર અનંત અંબાણી અને તેમના પત્ની રાધિકા મર્ચન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર અને જિઓ પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણી, ટેલિકોમ જાયન્ટના પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ)ના ઉદ્ઘાટનનું નિરીક્ષણ કરી રહ્યા  હતા.ભારતને ક્રૂડ-રિફાઇનિંગ `સુપરપાવર' ગણાવ્યા અને વેનેઝુએલાના તેલનું વધુ પ્રોસેસિંગ કરવાની વિનંતી કર્યાના એક દિવસ પછી રૂબિયો જામનગર પહોંચ્યા હતા. અહીંની મુલાકાત બાદ તેઓ અમેરિકા જવા નીકળી ગયા હતા. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો આજે જામનગરની ઐતિહાસિક મુલાકાતે આવી પહોંચ્યા છે. અગાઉ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સ્થાનિક વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોઈ વગદાર અને મહત્ત્વના દેશના વિદેશમંત્રીની જામનગર ખાતે આ પ્રથમ મુલાકાત હોવાથી સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત બનાવવામાં આવી છે. આ મુલાકાતથી વૈશ્વિક સ્તરે જામનગરનું મહત્ત્વ ફરી એકવાર સાબિત થયું છે. આ મુલાકાત પાછળનો હેતુ અમેરિકાને સસ્તુ ડીઝલ જોઈએ છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકામાં 300 (28.40 લાખ કરોડ) અબજ ડોલરના ખર્ચે રિફાઇનરી શરૂ કરવાની છે. આ બન્ને મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.  આ રિફાઇનરી વિશ્વના કોઈપણ પ્રકારના ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની ક્ષમતા ધરાવે છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની યાદી અનુસાર રૂબિયોની મુલાકાત દરમ્યાન ઊર્જાની વૈશ્વિક પરિસ્થિતિ, પરંપરાગત અને નવીન ઊર્જામાં વ્યાવસાયિક ભાગીદારીઓની તકો સહિત વિવિધ મુદ્દે વ્યાપક ચર્ચા કરાઇ હતી. એ સિવાય વિશ્વાસપાત્ર અને પરવડે તેવા ઊર્જા પુરવઠા, ટેકનોલોજીના ફાયદા, મજબૂત પુરવઠા સાંકળ તેમજ વધતી માંગને પહોંચી વળવા માટે જરૂરી રોકાણો પર પણ ચર્ચા-વિચારણા થઇ હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd