• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

આંદોલન સમાધાન માટે હોય; ભાગવતનું દશેરા સંબોધન

દેશમાં યુવાપેઢીના શ્રેણીબદ્ધ દેખાવો અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્વારા કેન્દ્ર સરકાર સામે મોરચાબંધીના પ્રયાસો થઇ રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે તેમના વિજયાદશમી સંબોધનમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, લોકતંત્રમાં આંદોલન સ્વીકાર્ય છે, બલ્કે લોકશાહીનો અંતરંગ ભાગ છે, પરંતુ આવાં આંદોલન સમાધાન કે ઉકેલ માટેના હોવા જોઇએ. આંદોલન કે ચળવળનો હેતુ શત્રુતાપૂર્ણ રીતે રાજકીય વેર વાળવા માટે થશે તો એ દેશની એકતા-અખંડિતતા માટે જોખમી લેખાય, રાષ્ટ્રવિરોધી પરિબળો એ પરિસ્થિતિનો ગેરફાયદો લઇ શકે છે. ભાગવતજીની વાત સાચી છે કે, સમાજમાં સમરસતાનું સિંચન થવું જોઇએ. ભારત અત્યારે પ્રગતિના રસ્તે અગ્રેસર છે. દુનિયાના દેશોમાં મંદીના વધતા પ્રભાવ વચ્ચે પણ વિદેશી એજન્સીઓ આપણા અર્થતંત્રને હકારાત્મક રેટિંગ આપી રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધાકધમકી છતાં ભારત પોતાની `રાષ્ટ્રપ્રથમ' નીતિ ઉપર સુસ્પષ્ટ છે અને કોઇ દબાણ કે ધમકીને વશ નથી થયું. ભારત વિરોધી પરિબળો આ પરિસ્થિતિથી ઇર્ષ્યા અનુભવે એ સ્વાભાવિક છે. વિરોધ પક્ષો જેન-ઝીને ભ્રમિત કરવાના પ્રયાસમાં છે અને કેટલાક યુવા નેતા બાંગલાદેશના વિદ્રોહનો હવાલો આપી રહ્યા છે. એ પરિસ્થિતિમાં પણ સરસંઘચાલકે યુવાઓની દૃષ્ટિ અને સામર્થ્ય પર દૃઢ વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે, ભૌતિકવાદ અને ટેકનોલોજી વિકાસ છતાં પણ વૈશ્વિક તનાવના સવાલોનો જવાબ ભારત પાસે છે. છેલ્લા દાયકાઓમાં ભારત જે રીતે મક્કમ નીતિ સાથે આગળ વધી રહ્યું છે અને યુવાપેઢીમાં દેશાભિમાનની ભાવના ભરી પડી છે એ જોતાં યુરોપમાં કે બીજા દેશોમાં છાત્ર લડતથી સત્તા પલટો થવો એવું ભારતમાં થવું અસંભવ છે. અહીં એ નોંધનીય છે કે, પ્રશાંત ભૂષણ સહિત અમુક વિપક્ષી નેતાઓએ `સત્તા પરિવર્તન'ની આકાંક્ષા વ્યક્ત કરીને કહ્યું કે, જનતા ચાહે તો મોદી સરકારને ગબડાવી શકે છે. અલબત્ત, આવી વાતો શેખચલ્લીના સપનાં જેવી છે. ભારતનું લોકતંત્ર પરિપક્વ છે. અહીંની જનતા સ્થિરતાને ચાહનારી છે એટલે કોઇપણ અપપ્રચારમાં પરોવાઇ જાય તેમ નથી. સત્તા  પરિવર્તન માટે ભારતમાં ચૂંટણી એકમાત્ર સાધન છે. આર.એસ.એસ.ની સ્થાપના 27મી ડિસેમ્બર, 1925ના રોજ થઇ એ દિવસ વિજયાદશમીનો હતો. એટલે સંઘ પોતાનો સ્થાપના દિવસ દશેરાના મનાવે છે. સરસંઘચાલક સ્વયંસેવકોને ચિંતન બોધ આપે છે. દેશભરમાં ફેલાયેલા સ્વયંસેવકો, આનુષંગિક સંગઠનો સાથે સંકળાયેલા કાર્યાધિકારીઓ તથા સમર્થકો આ સંબોધનની વૈચારિક સ્પષ્ટતા અને દિશાનિર્દેશ તરીકે લેતા હોય છે. ભાગવતજીનાં સંબોધનનું વધુ મહત્ત્વ એટલા માટે પણ છે કે, કેન્દ્રમાં અને કેટલાય રાજ્યોમાં તેમની વિચારધારાની સરકાર છે. દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી, કેટલાય વરિષ્ઠ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો, સાંસદો, ધારાસભ્યો બૃહદ રીતે સંઘની વિચારધારાને અનુસરનારા છે. સંઘ પ્રમુખે આંદોલન કરનારાઓનો હેતુ સત્તા પરિવર્તન માટે અરાજકતા પેદા કરવાનો હોવાનું સ્પષ્ટ કહ્યું છે. અહીં એ નોંધનીય છે કે, સર્વોચ્ચ અદાલત પર મોરચો લઇ જવાના પ્રયાસની ખુદ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ ટીકા કરીને વિપક્ષી નેતાઓનો જવાબ માગ્યો છે. રાજનીતિ કરનારાઓ પોતપોતાની રીતે વિચારતા હોય છે. સંઘના વિચારને નકારનારા પણ છે, છતાં સત્તા પરિવર્તન આંદોલનથી કદી સંભવ નથી. એ સમાજની અંદરથી જ થઇ શકે એવાં ભાગવતજીના બયાનની ઉપેક્ષા થઇ શકે નહીં. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd