• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

ધોરડોના રણે આગોતરા જ સજ્યા શ્વેત શણગાર

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 21 : કચ્છની કુદરતી અજાયબી સમાન ગણાતા ધોરડોના શ્વેત રણવચાળે દર વર્ષે યોજાતો રણોત્સવ દેશી-વિદેશી સહેલાણીઓ માટે ભારે આકર્ષણ રૂપ બન્યો છે. મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીની શીત મોસમ દરમ્યાન યોજાતા અનોખા ઉત્સવ વખતે શ્વેતરણ પોતાના અસલી મિજાજમાં મહાલતાં પ્રકૃતિના અનોખા નજારાને મનભરી માણવા પ્રકૃતિપ્રેમીઓના ધાડાં ઊતરે છે. ચાલુ સાલે ચોમાસા દરમ્યાન ઓછા વરસાદનાં કારણે રણમાં પાણીનો ભરાવો નહિવત હોવાના લીધે વર્ષ 2018 પછી પહેલી વખત ઓકટોબરમાં જ સફેદ રણ પોતાના અસલી મિજાજમાં ખીલી ઊઠયું છે. પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવાના હેતુસર કચ્છના મોટા રણમાં શરૂઆતમાં શરદોત્સવ અને બાદમાં રણોત્સવનાં નામે જાણીતા બનેલાં મહોત્સવની પ્રસિદ્ધિ દેશભરમાં જ નહીં, દુનિયાના દેશો સુધી પહોંચી છે. વેકરિયા (લોરિયા)થી શરૂ થયેલા અને હાલ સરહદ નજીકના શ્વેત રણ સુધી પહોંચેલા રણોત્સવને ભારે રંગીન અને આકર્ષણરૂપ બનાવવા રાજ્ય સરકાર અને પ્રવાસન નિગમે તો કમર કસી છે, સાથે સ્થાનિક નાગરિકોએ પણ દિલચસ્પી લેતાં બન્ની વાસ્તવમાં બેનમૂન બની છે. ધોરડો નજીકના રણમાં દરિયાના ખારાં પાણી જમા થયાં પછી શિયાળાની સિઝનમાં ક્ષારયુક્ત પાણી નમકમાં ફેરવાઇ આખો વિસ્તાર શ્વેત ચાદરમાં લપેટાઇ જતાં એક અનેરૂ દૃશ્ય ખડું થાય છે. દૂર દૂર સુધી પથરાયેલી સફેદી પર દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયનો પ્રાકૃતિક નજારો, તો પૂનમની રાત્રિએ સોળે કળાએ ખીલેલા ચંદ્રમાની ચાંદનીને નિહાળવો એક ઉત્તમ લહાવો ગણાય છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. ચાલુ સાલે 1લી નવેમ્બરથી 28મી ફેબ્રુઆરી 120 દિવસ સુધી યોજાનાર 22મા રણોત્સવની તૈયારીઓના નિરીક્ષણ દરમ્યાન મુખ્ય માર્ગદર્શન મિયાંહુસેન મુતવાને સાથે રાખી સફેદ રણની મુલાકાત લીધી, ત્યારે ઓછા વરસાદને લઈ શ્વેતરણમાં વરસાદી પાણીનો ભરાવો નહિવત જોવા મળ્યો હતો. જેનાં કારણે લોખંડી વોચ ટાવરની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરનો રણપ્રદેશ મીઠાંની સફેદ છાજલીથી સજ્જ-ધજ્જ જોવા મળ્યો હતો. મિયાંહુસેનના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર માસમાં શ્વેતરણ પોતાના અસલી મિજાજમાં આઠ વર્ષ પછી જોવા મળ્યાંનો આનંદ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમના કહેવા પ્રમાણે ઓક્ટોબરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં વાયવ્ય દિશામાંથી ઠંડા પવનની લહેરો સાથે દરિયાઈ પાણી ટાવર નજીકના આસપાસ રણ વિસ્તારમાં ફેલાયાં પછી સફેદી ધારણ કરતાં સમગ્ર વિસ્તાર સફેદ મીઠાંની છાજલીમાં છવાઈ ગયાં પછી ચાલુ સાલે રણોત્સવનો અનેરો આનંદ ઊભો થઈ શકશે, તેવી લાગણી વ્યક્ત કરી હતી. છેલ્લાં ઘણાં વર્ષોથી રણોત્સવનાં આયોજન અને જવાબદારી સંભાળતી ખાનગી કંપની લલ્લુજી એન્ડ સન્સના ક્રિપાલસિંહએ જણાવ્યું હતું કે, હાલે તંબુનગરીના ગોળાકાર 11 સંકુલોમાં 400 જેટલા તંબુ નિર્માણનું કાર્ય ચાલે છે. વળી આ પંથકના પરંપરાગત ભૂંગા પ્રવાસીઓ માટે ભારે આકર્ષણ રૂપ હોઈ ચાલુ સાલે ટેન્ટ સિટીમાં 7 કલાત્મક ભૂંગાનું નિર્માણ થઈ ચૂક્યું છે. ઉપરાંત કલાત્મક માહિતીકક્ષ, ફોટો ગેલેરી, ભોજનાલય, વિશ્રાંતિગૃહ, રિસેપ્શન સેન્ટર, રજવાડી પ્રવેશદ્વાર સહિતનું કામ ચાલી રહ્યું છ. રણોત્સવ શરૂ થયા પૂર્વે ટેન્ટ સિટી સહેલાણીઓને સત્કારવા સુસજ્જ બની રહેશે તેમ જણાવ્યું હતું. લોરિયા ફાટકથી ભિરંડિયારા સુધીનો ખાવડા રોડ છેલ્લા ઘણા સમયથી ભારે ઉબડ-ખાબડ હતો તેનું સમારકામ થઈ ચૂક્યું છે, તો ભીરંડિયારાથી વાયા હોડકો થઈ ધોરડો તરફ જતા રસ્તાઓની બાજુઓમાં ઊગી નીકળેલી ઝાડીને સાફ કરવા જે.સી.બી. જેવાં યંત્રો કામે લાગ્યાં છે, તો ધોરડોથી ગોરેવાલી બાયપાસ 12 કિ.મી. રોડની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ રોડનું કામ પૂર્ણ થયા પછી રણોત્સવની મોસમ વખતે સફેદ રણમાં લોકોની ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યાથી પ્રવાસીઓ ભારે પરેશાન બને છે. રણોત્સવની મોજ માણ્યા પછી પ્રવાસીઓ માત્ર જવા માટેના આ રસ્તે પરત થતાં ટ્રાફિકનો મોટો પ્રશ્ન આ વર્ષે હલ થઇ જશે તેવું મિંયાહુસેન જણાવે છે. અહીં આવતા દેશી-વિદેશી મહેમાનોની આગતા-સ્વાગતા માટે ભીરંડિયારાથી લઇ શ્વેતરણનાં પ્રવેશદ્વાર સુધી કલાત્મક ભૂંગાને સાંકળી ઊભા કરવામાં આવેલા વિલેજ રિસોર્ટ ઉપર ઘાસના છાજ, ભીંતચિત્રો, લીંપણથી સજાવવા સ્થાનિક લોકોએ ભારે વ્યાયામ આદર્યો છે. ધોરડો રોડની આસપાસ અને નવા રિસોર્ટ ઊભા થતાં નજરે ચડયા હતા, તો વળી જૂના રિસોર્ટમાં વધારાના તંબુ અને ભૂંગા બનાવવા લોકો વ્યસ્ત નજરે ચડયા હતા. - મહાતંબુનગરીનું નિર્માણ અટક્યું ? :  નિરોણા, તા. 21 : મહોત્સવને માણવા આવતા મહેમાનોના માન-સન્માન માટે પ્રવાસન નિગમ દ્વારા નિર્માણ થતી તંબુનગરીએ સફળતા મેળવી આકર્ષણ જમાવ્યું છે. દર વર્ષે આ તંબુનગરીમાં રોકાવા આવતા પર્યટકોની વધતી ભારે સંખ્યાને લઇ તંબુનગરી ટૂંકી પડે છે, જેને લઇ હાલની તંબુનગરીથી ઉત્તરે સફેદ રણવચાળે 1600 તંબુઓનો સમાવેશ કરી આકર્ષક મહાતંબુનગરીનાં નિર્માણ માટે ગત વર્ષથી શરૂ થયેલી ગતિવિધિ અટકેલી જોવા મળે છે. હાલની તંબુનગરીની ઉત્તરે 500 મીટરના અંતરે ચાર અલગ-અલગ વિભાગમાં 1600 તંબુનાં નિર્માણ ઉપરાંત ચોતરફ 3 કિ.મી. ડામર રોડ, દરેક વિભાગને સાંકળવા રિંગ રોડ, આંતરિક આર.સી.સી. રોડની કામગીરી માટે રૂા. બાવન કરોડ ફાળવાયા હતા. જે મુજબ રસ્તાઓનું કામ તો ગયા વર્ષે જ પૂર્ણ થઇ ગયું છે. ચાલુ સાલે યોજાનાર 22મા રણોત્સવ અગાઉ અહીં તંબુ ઊભા કરવાની વાતો પણ વહેતી થઇ હતી, પણ હજી સુધી કોઇ ગતિવિધિ જોવા મળતી નથી. - શું ખાસિયત છે મહાતંબુનગરીની : નિરોણા, તા. 21 : અહીં ઊભી થનાર મહાતંબુનગરીમાં અનેક વિશેષતાઓ સંકળાયેલી છે. ચોમાસાનાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અંત, વી.વી.આઇ.પી. અતિથિઓ માટે અલાયદા ઊભા થનાર ખાસ રજવાડી અને દરબારી તંબુઓનું આકર્ષણ, આસપાસ વોક-વેની પણ ખાસ સુવિધા જેને લઇ પ્રવાસીઓ રણવચાળે વોક કરતાં કરતાં સૂર્યોદય અને સૂર્યાસ્તનાં દૃશ્યો માણી શકે તેવી સુવિધાઓ સાંકળવામાં આવી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd