• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

નવરાત્રિ પૂરી, પણ ગરમીએ કચ્છનો કેડો ન મૂક્યો

ભુજ, તા. 21 : નવરાત્રિનું પર્વ પૂરું થઇ ચૂકયું  છે અને નજીકના દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. સામાન્ય રીતે આ દિવસોમાં વાતાવરણમાં ફૂલગુલાબી ઠંડીની અનુભૂતિ શરૂ થઇ જતી હોય છે, પણ આ વખતે ગરમી કેડો મૂકતી ન હોય તેમ  ઊંચકાયેલા મહત્તમ તાપમાન સાથે વિષમ વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે. જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન સહેજ ઊંચે ચડી 39.6 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યમાં રાજકોટ પછી ભુજ બીજા, તો 39.5 ડિગ્રીએ કંડલા પોર્ટ ત્રીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. નલિયામાં મહત્તમ પારો 39.3 ડિગ્રી અને કંડલા (એ.)માં 38.6 ડિગ્રી નોંધાતાં કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યાહ્નકાળ ભારે ગરમીવાળો રહ્યો હતો. નલિયામાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાને રાત્રિના ભાગે વાતાવરણમાં થોડી શીતળતા અનુભવાઇ, તેને બાદ કરતાં અન્ય મથકોમાં લઘુતમ પારો 23થી 25 ડિગ્રી વચ્ચે નોંધાતાં રાત્રિનો માહોલ આ વિસ્તારોમાં શીતળ નહીં ઉકળાટભર્યો રહ્યો હતો. અરબી સમુદ્રમાં એક હવાનું હળવું દબાણ સર્જાયું છે, પણ આ લો-પ્રેશર સોમાલિયા તરફ આગળ વધી રહ્યું હોવાથી કચ્છ-ગુજરાતનાં વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થાય તેવી સંભાવના ઓછી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન નિષ્ણાતોના મતે અલ નીનોના પ્રભાવથી હાલ આ પ્રકારનું વાતાવરણ અનુભવાઇ રહ્યું છે. હજી દિવાળી સુધી તો આ પ્રકારનું વાતાવરણ યથાવત્ રહેશે. આ પછી પવનની દિશા બદલાય અને ધીમા ડગલે ગુલાબી ઠંડી અનુભવવાનું શરૂ થાય તેવી સંભાવના હાલ દેખાઇ રહી છે. ઓકટોબર માસમાં આ પ્રકારનું વાતાવરણ સામાન્ય રીતે  અનુભવાતું હોય છે, પણ અલ નીનોની અસરથી ગરમીનો અનુભવ થવાનો ગાળો ઘણો લાંબો ચાલ્યો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd