રસિક આહીર દ્વારા : રતનાલ, તા. 20 : ભુજ તાલુકાના હબાય ગામે આવેલા
પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિર મધ્યે બે દિવસીય પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું
હતું. નોરતામાં માતાજીની મંગળા આરતીનો લ્હાવો
લેવા મોટી સંખ્યામાં માઇ ભક્તો પગપાળા દર્શન કરવા આવે છે. આઠમના સવારે આરતીમાં મોટી
સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટી પડયા હતા અને ત્યારબાદ સવારે વિવિધ ગામડાઓની રાસ મંડળીઓ
દ્વારા ભાતીગળ પહેરવેશમાં સજ્જ થઈ રાસગરબાની રમઝટ બોલાવી હતી. અને વિવિધ ગામડાઓના કલાકારો
દ્વારા માતાજીના છંદ- ગરબા દ્વારા સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું. આઠમના દિવસે
કલાત્મક પ્રવેશદ્વાર અને પવિત્ર કૂંડના પરિક્રમા પંથનું સેવાર્પણ અને બેઠક ખંડનું લોકાર્પણના
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હબાય જાગીરના મહંત લક્ષ્મણગિરિ
બાપુ દ્વારા દાતા પરિવારના યોગદાનની પ્રશંસા કરી હતી અને ભાવિકભક્તોને શુભેચ્છાઓ પાઠવી
હતી. આ વર્ષો જૂના પરંપરાગત આઠમ મેળા અંગે
જાગીર મહંત લક્ષ્મણગિરિ બાપુએ જણાવ્યું હતું કે,
વાઘેશ્વરી માતાજી મંદિર આઠમ-નોમ મેળા ઉત્સવમાં છાંગા આહીર પરિવાર અને
હોથી જાડેજા તથા અઢારેય વર્ણમાં આસ્થા સ્થાનકે માઈભક્તો માથું ટેકવે છે. કચ્છના વિવિધ
ખૂણે આહીરપટ્ટી, ખડીર, વાગડ, પંથક સહિત કચ્છના વિવિધ ખૂણેથી ભાવિકભક્તો આવ્યા હતા. કાર્યકમમાં રાજ્યમંત્રી
ત્રિકમભાઈ છાંગાએ દાતા પરિવાર દ્વારા કરાયેલા વિવિધ સેવાકીય પ્રકલ્પને બિરદાવીને પ્રવેશદ્વાર
અને પરિક્રમા કૂંડ અને બેઠક ખંડના નિર્માણ થકી જાગીરની ભવ્યતામાં વધારો થશે તેવું કહ્યું
હતું. આવા ધાર્મિક ઉત્સવો થકી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન થશે તેમ જણાવ્યું હતું. આ સેવાર્પણ પ્રસંગે મૂળીમાં (તરાણા), ગોમતી મા, દાતા પરિવારના આલાભાઈ છાંગા, દેવજીભાઈ છાંગા, વાઘજીભાઈ છાંગા, મહેશ માતા, અરાવિંદ માતા, હિતેશ
માતા, ત્રિકમ વાસણભાઇ આહીર, હરિભાઈ જાટિયા,
સતિષભાઈ છાંગા, ત્રિકમભાઈ કેરાસિયા (હબાય સરપંચ)
સહિતના કચ્છ-વાગડના રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું આલાભાઈ છાંગાએ
સ્વાગત કર્યું હતું અને વ્યવસ્થા આનંદ છાંગા, વાઘજી છાંગા અને
મહેશ માતાએ સંભાળી હતી. મેળા ઉત્સવ દરમિયાન પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર હાજર રહ્યા
હતા. બપોર બાદ વાજતે-ગાજતે માતાજી પ્રાગણમાં-મંદિર પરિસરમાં પરંપરાગત સાંસ્કૃતિકના
દર્શન કરાવતા સામૈયું નીકળ્યું હતું, જેમાં ભાતીગળ સંસ્કૃતિના
દર્શન થયાં હતાં. સામૈયામાં કળશધારી બાલિકાઓ, મહંત લક્ષ્મણગિરિ
બાપુના સાંનિધ્યમાં મોટી સંખ્યામાં રાજકીય-સામાજિક અને વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા
હતા. મેળામાં રાત્રે માતાજીની મહાઆરતીનો ચડાવો રમેશ વાલજીભાઈ છાંગા દ્વારા 5,11,000માં લેવાયો હતો અને માતાજીની
આરતીનો લાભ લીધો હતો. સંતવાણીમાં જયદીપ સોની, મનહરદાન ગઢવી અને પ્રભુભાઈ આહીર સહિતના કલાકારોએ પ્રાચીન ભજનો દ્વારા સંતવાણી
રજૂ કરી હતી. રાત્રે સંતવાણીમાં 6,61,000 ઘોર સ્વરૂપે આવક જાગીર ગૌસેવા ટ્રસ્ટમાં આપવામાં આવી હતી.