દહીંસરા (તા. ભુજ), તા. 28 : આ ગામની મધ્યમાંથી દહીંસરા-કેરા માર્ગ એક કિ.મી. લાંબો પસાર થાય છે. તાજેતરમાં આ માર્ગ સિમેન્ટ-કોંક્રીટથી મઢવામાં આવ્યો છે. કેરા-મુંદરા બાજુ જતા માર્ગ પર છેલ્લા કેટલાક મહિનાઓથી ઓવરલોડ ભારેખમ વાહનો પસાર થતાં હોવાથી લોકો સાથે બાળકો માટે જોખમરૂપ બન્યો હોવાની ફરિયાદો ઊઠી છે. માર્ગ નવો બન્યો તે અગાઉ ચાર ગતિઅવરોધક દૂર કરાયા છે. તેથી વાહનો બેફામ સ્પીડમાં પસાર થાય છે. જેથી અન્ય વાહનચાલકોના જીવ અદ્ધર થઈ જાય છે. ટ્રાફિકજામ અને પ્રદૂષણ પણ ફેલાય છે. આ માર્ગ ઉપર પંચાયતી પ્રાથમિક કન્યાશાળા, લેવા પટેલ સમાજવાડી, સ્ટેટ બેન્ક, હેર સલૂન, દુકાનો, દવાખાનાં, વર્કશોપ, શાકમાર્કેટવાળા, ચુનડી તરફ જવાનો માર્ગ આવ્યો હોવાથી સમસ્યા માથાંના દુ:ખાવારૂપ બની છે. નાના-મોટા અકસ્માતો સાથે જીભાજોડીના બનાવોથી લોકો ત્રાસી ગયા છે. આ જ માર્ગે હનુમાનજી મંદિર, સ્વામિનારાયણ બાઈઓનું મંદિર, જલારામબાપાના મંદિરે જવાનો માર્ગ હોવાથી ટ્રાફિક સમસ્યાઓ રોજિંદી બની ગઈ છે. 20 પૈડાંવાળાં વાહનોની અવરજવરથી માર્ગમાં તિરાડો પડી ગઈ છે. સમસ્યાઓ વકરવા છતાં પગલાં ન ભરાતાં હોવાથી ગ્રામજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેથી હવે કન્યાશાળા પાસે લેવા પટેલ સમાજવાડી પાસે, ચુનડી ત્રિભેટે સ્પીડબ્રેકરો બનાવવા જરૂરી બન્યા છે. જાગૃત ગ્રામલોકોના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત અને પીડબલ્યુડી ખાતું વહેલી તકે સ્પીડબ્રેકરો બનાવવા પગલાં ભરે એવી લોક માગણી ઊઠી છે.