ભુજ, તા. 19 :સાંપ્રત સમાજમાં વ્યાપ્ત દુ:ખ
દર્દને દૂર કરવાનું કલ્યાણકારી કાર્ય શિવની જેમ કાવ્ય પણ કરે છે, એમ કવિતાએ કલ્યાણદાત્રી છે. અહીંના મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના
મહારાજ ભુપતસિંહજી સભાખંડમાં મહાશિવરાત્રિના
સપરમા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને પુસ્તકાલયના
સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા
મહોત્સવ - ર6ના આરંભે `ગુજરાતી ભાષાના મર્મી કવિઓ'
એ વિષય પર વક્તવ્ય આપતાં જાણીતા વક્તા અને લેખક ડો. રમજાન હસણિયાએ ગુજરાતી કવિતાના ગુણગાન ગાતાં આ મુજબ જણાવ્યું હતું. એમણે નરસિંહ મહેતા, મીરાંબાઈ,
અખો, ઉમાશંકર, દયારામ, દલપતરામ
સહિતના કવિઓની રચનાઓમાં રહેલો મર્મ સમજાવી એમાં રહેલી ઊર્મિનું કાવ્યાત્મક શૈલીમાં
વર્ણન કરી જાણીતી રચનાઓનું ગાન કર્યું હતું. આ અવસરે બીજા વક્તા પૂર્વી ગોસ્વામીએ `સબદ સોનજી ખાણ' એ વિષયમાં પોતાનું વક્તવ્ય આપતાં કચ્છી
ભાષાનાં શબ્દોની તાકાતનું વર્ણન કરતાં તેના એકાક્ષરી શબ્દો, તેના અનેક અર્થ અને વ્યાકરણની વિગતે
વાત કરી હતી. આરંભમાં વિજયજરાજી પુસ્તકાલયના
પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે સૌને આવકારી
પુસ્તકાલય દ્વારા કરાતી સાહિત્ય ઉપરાંતની
સામાજિક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપી આ પ્રકારની સામાજ ઉદ્ધારક પ્રવૃત્તિઓ માટે પુસ્તકાલયનો હંમેશ
સહયોગ આપવાની ખાતરી આપતાં આગામી દિવસોમાં યોજાનારા કવિ હરીન્દ્ર દવેના સેમિનારની વિગતો આપી
હતી. આ પ્રસંગે સામાજિક અગ્રણી, કચ્છ ક્ષત્રિય સમાજના પૂર્વ અધ્યક્ષ
અને સમારંભના અતિથિ વિશેષ જોરાવરસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરતાં ગુજરાતી
અને કચ્છી સાહિત્યમાં રહેલા જોમના ઓવારણાં લેતાં કેટલીક રચનાઓ પણ રજૂ
કરી હતી. વિજયરાજજી પુસ્તકાલયના વરિષ્ઠ કારોબારી સભ્ય પીયૂષભાઈ પટ્ટણી, જવેરીલાલ સોનેજી મહેમાનોનાં સન્માનમાં
જોડાયા હતા. પુસ્તકાલયના સભ્ય જાગૃતિ વકીલે
બંને વક્તાઓનો પરિચય આપ્યો હતો. સમારંભનું સંચાલન પુસ્તકાલયના ઉપપ્રમુખ સંજય
ઠાકરે તથા આભારવિધિ મંત્રી નરેશ અંતાણીએ કરી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ
ડો. ભાગ્યેશ જ્હા, મહામાત્ર
ડો. જયેન્દ્રસિંહ જાદવે સમારોહ તથા માતૃભાષા સપ્તાહની શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે
પુસ્તકાલયના કારોબારી સભ્ય મનન ઠક્કર,
નવીનભાઈ વ્યાસ, રાપરના અગ્રણી પ્રકાશભાઈ મહેતા, મધુકરભાઈ ઠક્કર, શાંતિલાલ વરૂ, હર્ષદ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.