ભુજ, તા. 10 : શહેરમાં `કચ્છમિત્ર' અને `હોમ્સ ઇન ધ સિટી'ના સંયુક્ત ઉપક્રમે આયોજિત પર્યાવરણ સપ્તાહના અંતિમ દિવસે ટપકેશ્વરી ટ્રાકિંગનું
આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રાકિંગમાં બાળકો, યુવાનો તેમજ
વરિષ્ઠ નાગરિકો સહિત 70થી વધુ નાગરિકે
ઉત્સાહભેર જોડાયા હતા. આ ટ્રાકિંગનો મુખ્ય હેતુ યુવા પેઢીને પ્રકૃતિની
નજીક લાવવા તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત એચ.આઈ.એસ.ના
પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જય અંજારિયાએ પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ સાથેના સંબંધના મહત્વ
અંગે ઉદ્દેશ્ય વક્તવ્ય આપીને કરી હતી.મલ્હાર કેમ્પિંગના ટીમ સભ્યો સવન ગોસ્વામી, દિસલ ડાભી, અલ્પેશ પટેલ
અને ઉમેશ આહિરે ટ્રાકિંગનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેઓએ તમામ સહભાગીઓને જૂની ટપકેશ્વરીના
પ્રાચીન સ્થળ સુધી સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતા. ટ્રાકિંગ દરમિયાન સહભાગીઓએ પ્રકૃતિના
અદભૂત સૌંદર્યનો આનંદ માણ્યો હતો.ટ્રાકિંગ પૂર્ણ થયા બાદ સહભાગીઓએ પોતાના અનુભવો વ્યક્ત
કરતાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો પ્રકૃતિ સાથે જોડાવાની અને પર્યાવરણ પ્રત્યે
સંવેદનશીલ બનવાની ઉત્તમ તક પૂરી પાડે છે. પર્યાવરણ સપ્તાહના સમાપન પ્રસંગે જય અંજારિયાએ
સમગ્ર સપ્તાહ દરમિયાન સહયોગ આપવા બદલ `કચ્છમિત્ર', `રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લામિંગો', `ઇનરવ્હીલ
ક્લબ ઓફ ભુજ વોલસિટી', `વ્હાઇટ ઈગલ સાયકાલિંગ ગ્રૂપ', `મલ્હાર કેમ્પિંગ', `સન્માન ફાઉન્ડેશન' તથા `ભુજ બ્લોગર્સ' નો આભાર વ્યક્ત કર્યો હતો. HIC ના ડિરેક્ટર અસીમ મિશ્રના માર્ગદર્શન હેઠળ રિજિન એ.ટી., ધર્મેશ અંતાણી, દીપાલી
પંચોલી, નયના ચારણિયા, કરિશ્મા ફજવાણી,
ગાયત્રી ભાટી સહિતની ટીમે સમગ્ર પર્યાવરણ સપ્તાહના સફળ આયોજનમાં મહત્વપૂર્ણ
ભૂમિકા ભજવી હતી. પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતા આ
સપ્તાહની સફળ પૂર્ણાહુતિ સાથે ભુજ શહેરમાં પર્યાવરણ જાગૃતિનો એક સકારાત્મક સંદેશ પ્રસર્યો
હતો.