અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના
બે મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં બુધવારે કેટલાક હાઈપ્રોફાઈલ ગણાતા સ્થળોને
બોમ્બથી ઉડાડવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળતા સુરક્ષા તંત્રમાં હડકંપ મચી ગયો હતો. ગાંધીનગર
મુખ્યમંત્રી કાર્યાલય, અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનની મુખ્ય કચેરી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલયમાં બોમ્બ બ્લાસ્ટ
કરવાનો ગંભીર ધમકીભર્યો ઈ-મેઇલ કારંજ પોલીસના ઈમેલ પર આવ્યો હતો. જેને પગલે બોમ્બ ડિટેક્શન
એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, એસઓજી, સ્થાનિક
પોલીસ તથા ફાયર વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ
દ્વારા તમામ સ્થળે સઘન તપાસ હાથ ધરાઈ હતી, અંતે કંઈજ નહીં મળતા
લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બન્ને સ્થળોએ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત
વિગતો મુજબ જુદા-જુદા ઈ-મેઇલ આઈડી પરથી મોકલાયેલા સંદેશાઓમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન ઉપરોક્ત
સ્થળોએ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઇલમાં ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલમાં
ત્રીજા માળે આવેલા મુખ્યમંત્રી કાર્યાલયને બપોરે 1:11 વાગ્યે, દાણીપીઠ
ખાતે એએમસી મુખ્ય કચેરીને બપોરે 3:11 વાગ્યે અને મણીનગર સ્થિત સંઘ કાર્યાલયને સાંજે 5:11 વાગ્યે નિશાન બનાવવાનો ઉલ્લેખ
કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીને બોમ્બથી
ઉડાવવાની ધમકી મળ્યા બાદ કચેરીમાં તાત્કાલિક સુરક્ષા કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમગ્ર
બિલ્ડિગ ખાલી કરાવી દેવામાં આવી હતી ધમકીના પગલે પોલીસ, બીડીએસ અને ફાયર વિભાગની ટીમોએ એએમસીના સરદાર
પટેલ ભવન સહિત સમગ્ર પરિસરમાં સઘન ચાકિંગ હાથ ધર્યું હતું. શંકાસ્પદ વસ્તુઓની તપાસ
માટે બિલ્ડિગના દરેક વિભાગમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જે ઈમેલ આઇડી પરથી
આ ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા છે, તેના સોર્સ અને આઈપી એડ્રેસને
ટ્રેસ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે,
ધમકી મળ્યાના સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં હાજર હતા. આ બન્ને ઘટનાને લઈને રાજ્યના પોલીસ
વડા જી.એસ. મલીકે કહ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બની
ધમકી અંગેના બે ગુના દાખલ કરાયા છે.