• ગુરુવાર, 11 જૂન, 2026

ગેરકાયદે કોમર્શિયલ દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

નખત્રાણાના સરહદી ક્ષેત્રનાં પાંચ દબાણ પર સપાટો : ઢોરો, લુડબાય, ઉઠંગડી, વજીરાવાંઢમાંથી કુલ મળીને 6685 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાઈ : ભુજ, તા. 10 : નખત્રાણા તાલુકાના સરહદી વિસ્તારના લુડબાય જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ઢોરો, લુડબાય, ઊઠંગડી તથા વજીરાવાંઢમાં સરકારી પડતર જમીન ઉપર થયેલાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો પર આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળતાં 6685 ચો.મી.વાળી જમીન કિં.રૂા. 8,04,625ને દબાણમુક્ત કરાઈ હતી. સરકારી પડતર જમીનો પર થયેલાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા અગાઉથી જ નખત્રાણાના મામલતદાર આર.ડી. પટેલ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. દરમ્યાન આજે સવારે 10 વાગ્યાથી જ પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, નખત્રાણા મામલતદાર આર.ડી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફિસર એન.વી. જોશી અને વહીવટી તંત્રની ટીમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ધોરડો પી.આઈ. ટી.ડી. ચૂડાસમા, હાજીપીર પીએસઆઈ વી.ડી. ગોહિલ, નરા પીએસઆઈ એચ.સી. પરમાર, નિરોણા પીએસઆઈ કે.એસ. આહીર તથા પીજીવીસીએલના સ્ટાફની હાજરીમાં ગેરકાયદે દબાણો પર સપાટો બોલાવી તોડી પાડયાં હતાં. પાંચ મોટા કોમર્શિયલ દબાણો જેવા કે લોજ, ખાણીપીણી અને કરિયાણાની દુકાનોને દૂર કરવામાં આવ્યા હતા, જેમાં ઢોરોના બે ઉમીદ અલી સુમરા અને જબાર ખાન મુતવા તથા લુડબાયમાં વહાબ જત, ઉઠંગડીમાં ખાનમામદ રમજાન ભટ્ટી તથા વજીરાવાંઢમાં મામદ રહીમ હાજી શરુ જતના ગેરકાયદે દબાણોને જે.સી.બી-બુલડોઝરથી તોડી પડયાં હતાં. આમ સરકારી પડતર જમીન 6685 ચો.મી. જેની કિં.રૂા. 8,04,625ને ખુલ્લી કરાઈ હોવાનું નખત્રાણા મામલતદાર શ્રી પટેલની યાદીમાં જણાવાયું છે. આ દબાણમુક્તિની કામગીરીમાં ધોરડો, હાજીપીર, નરા, નિરોણાના પોલીસ અધિકારીઓની સાથોસાથ તેમનો પોલીસ સ્ટાફ પણ જોડાયા હતો. - મોટી ભુજપુરની 400 ચો.મી. જમીન થઈ દબાણમુક્ત : મુંદરા, તા. 10 : તાલુકાનાં મોટી ભુજપર ગામની સરકારી ટ્રાવર્સ પૈકીની જંત્રી મુજબ રૂા. સાડા ત્રણ લાખથી વધુની કિંમતની જમીન પરનાં ગેરકાયદે દબાણને હટાવવાની કાર્યવાહી કરીને સરકારી તંત્રએ કબજો લીધો હતો. સત્તાવાર જાણકારી મુજબ, દબાણકર્તા સમીર હાસમ ચાકી (રહે. મોટી ભુજપર) દ્વારા કરાયેલાં દબાણ બાબતે મુંદરા તા. મોટી ભુજપરની સરકારી ટ્રાવર્સ સ. નં. 713 પૈકીની 400 ચો. મી.ની જમીનમાં થયેલા વાણિજ્ય હેતુનાં દબાણ બાબતે મામલતદાર, મુંદરા દ્વારા જ. મ. કા. ક. - 61 તળેની કાર્યવાહી હાથ ધરી રજૂઆતની તક આપ્યા બાદ આ જમીનમાં દબાણ દૂર કરવાનો હુકમ કરાયો હતો. આ દબાણવાળી જમીનની વાણિજ્ય હેતુ માટેની જંત્રી દર મુજબ રૂા. 3,60, 000 જેટલી બજાર કિંમત છે. આ જમીન પરનું બુધવારે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા અને પ્રાંત અધિકારી બી. એચ. ઝાલા મુંદરાના માર્ગદર્શન હેઠળ મામલતદાર કે. એસ. ગોંદિયા તથા મુંદરાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું અને જમીનનો સરકાર પક્ષે કબજો લેવામાં આવ્યો હતો. 

Panchang

dd