ગાંધીધામ/ભુજ, તા. 10 : ભચાઉ તાલુકાના
નાની ચીરઈની ખાનગી કંપનીમાં પાણી ભરવા જતી નવ વર્ષીય રાધા નામની બાળકીને ટ્રેક્ટર-લોડરે
હડફેટમાં લેતાં બાળકીએ જીવ ખોયો હતો, જ્યારે નખત્રાણાના વડવા કાંયાના 75 વર્ષીય વૃદ્ધા વીરલબેન ઉર્ફે વીરબાઈ દેવશીભાઈ બુચિયાએ ભૂલથી
ફિનાઈલ પી લેતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. નાની ચીરઈમાં મૈત્રી ઈન્ડસ્ટ્રીઝ
નામની કંપનીના મેદાનમાં આજે સવારે આ જીવલેણ બનાવ બન્યો હતો. પંદરેક દિવસથી મધ્યપ્રદેશથી
કામ કરવા આવેલા ફરિયાદી શ્યામલાલ દદીલાલ કોલ પોતાની બીજી પત્ની તથા દત્તક લીધેલી બાળકી
રાધા સાથે અહીં આવ્યા હતા. કંપનીમાં કામ કરી અહીં જ રહેનાર આ આધેડની દત્તક લીધેલી બાળકી
રાધા આજે સવારે પાણી ભરવા જઈ રહી હતી. દરમ્યાન ટ્રેક્ટર-લોડર નંબર જીજે-39-સી-0496ના ચાલકે અચાનક તીવ્ર ગતિએ
વળાંક લેતાં તેનાં તોતિંગ પૈડાં નીચે આ બાળકી આવી ગઈ હતી. બાળકીને ગંભીર ઈજાઓ થતાં
તેને સારવાર અર્થે લઈ જવાઈ હતી, જ્યાં
ફરજ પરના હાજર તબીબે બાળકીને તપાસી તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ
નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજીતરફ વડવા કાંયામાં રહેતા વીરલબેન ઉર્ફે વીરબાઈ માનસિક
રીતે અસ્વસ્થ હતા. ગત તા. 8/6ના રાતે પોતાના ઘરે ભૂલથી પાણીના બદલે ફિનાઈલ પી લેતાં તેમને
સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં ગત તા. 9-6ના તેમણે સારવાર દરમ્યાન અંતિમ
શ્વાસ લીધા હતા. આ અંગે નખત્રાણા પોલીસ મથકે આજે વિગતો જાહેર કરાતાં પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.