• ગુરુવાર, 11 જૂન, 2026

દિલ્હી-હરિદ્વારમાં આધુનિક સુવિધાથી સજ્જ વિશ્રાંતિ ભુવનનું ભૂમિપૂજન

ભુજ, તા. 10 : સ્વામિનારાયણ મંદિર દ્વારા દિલ્હીમાં સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવન અને હરિદ્વારમાં નરનારાયણ વિશ્રાંતિ ભુવનનું નિર્માણ કરવાના આયોજન સાથે બંને જગ્યાએ ભૂમિપૂજનો કરવામાં આવ્યા હતા. દેશ-વિદેશથી યાત્રાર્થે આવતા-જતા હરીભક્તોને ઉત્તમ રહેવાની સુવિધા અને સાત્વિક ભોજન પ્રસાદ મળી શકે તે હેતુથી હાઈટેક સુવિધાપૂર્ણ વિશ્રાંતિ ભુવનનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવદ્જીવનદાસજી, પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ વડિલ સંતોના આશિર્વાદ અને શુભ સંક્લ્પથી ધર્મપ્રેમી ભક્તો અને ખાસ કરીને કચ્છ પ્રદેશના હરિભક્તો હિમાલયમાં આવેલ ચારધામ યાત્રા તેમજ હરિદ્વારમાં ગંગાસ્નાન કરવા જતાં હોય ત્યારે તેમને સાત્વિક નિવાસ અને સાત્વિક ભોજનરૂપ પ્રભુનો પ્રસાદ મળી રહે તે માટે તાજેતરમાં બન્ને સ્થાનોમાં સંતોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદન દાસજીના આશીર્વાદથી ઉપમહંત ભગવદ્જીવન દાસજી, પુરાણી સ્વામી પુરુષોત્તમસ્વરૂપદાસજી, કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી, કોઠારી શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારી દાસજી, ભક્તિપ્રિય દાસજી, પુરાણી સ્વામી મહાપુરુષ દાસજી, સ્વામી નીલકંઠચરણ દાસજી, શાસ્ત્રી સ્વામી શુકદેવસ્વરૂપ દાસજી, પુરાણી સ્વામી ધર્મચરણ દાસજી, ડો. સ્વામી અક્ષરમુનિ દાસજી, સ્વામી શાન્તિસ્વરૂપ દાસજી વિગેરે 35થી વધારે સંતો, મોટી સંખ્યામાં હરિભક્તો અને સાંખ્યયોગી બહેનો, ભુજ મંદિરના મુખ્ય કોઠારી પ.ભ. રામજીભાઇ દેવજી વેકરીયા, ઉપકોઠારી જાદવજીભાઇ ગોરસીયા સાથે મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે કરશનભાઇ રાઘવાણી આદિ ભક્તો ઉપસ્થિત રહીને ભૂમિપૂજનમાં લાભ લીધો હતો. દિલ્હીમાં નિર્માણ પામનાર વિશ્રાંતિ ભવન ગુડગાંવ વિસ્તારમાં આવેલ છે જે એરપોર્ટથી માત્ર 45 મિનિટના અંતરે અને નેશનલ હાઇવેથી બીલકુલ બાજુમાં આવેલ છે. સવા એકરના વિસ્તારમાં આ ભવન તૈયાર થશે. તીર્થધામ હરિદ્વારમાં કનખલ વિસ્તારમાં આવેલ દક્ષ મંદિરની બાજુમાં બે એકર જગ્યાના વિસ્તારમાં નિર્માણ થઇ રહેલ નરનારાયણ વિશ્રાન્તિ ભુવનમાં 150 રૂમો, કથા પારાયણ એક વિશાળ હોલ જેમાં કથા પારાયણ, મહાપૂજા વિગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે. સાથો સાથ વિશાળ ભોજનાલય, યજ્ઞશાળા, ગાર્ડન અને 100થી વધારે ગાડીઓનું પાર્કિંગ કરી શકાય એટલું વિશાળ પાર્કિંગ વ્યવસ્થા સાથે મેદાન છે. આ જગ્યાની બાજુમાં જ ગંગાજીનો કીનારો હોવાથી આવેલા યાત્રીકો સરળતાથી ગંગાસ્નાન કરવાનો લાભ લઇ શકશે એવું ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન્દાસજી તેમજ કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું. 

Panchang

dd