• ગુરુવાર, 11 જૂન, 2026

અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ

નવી દિલ્હી, તા. 10 : અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની આશા ઉપર હવે યુદ્ધનો ઉન્માદ ભારે પડી રહ્યો હોય તેવો ઘાટ ઘડાયેલો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાને અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડયા બાદ અમેરિકાએ પણ ઈરાનમાં અનેક ઠેકાણે હુમલા કર્યા હતા. જો કે અમેરિકાની આ કાર્યવાહી સામે ઈરાને પણ જવાબી હુમલો કર્યો હતો અને અમેરિકાની નૌસેનાની મહત્ત્વની ટુકડીઓને નિશાન બનાવી હતી. ઈરાને બહેરીન, કુવૈત અને જોર્ડનમાં અમેરિકી સ્થળોને નિશાન બનાવ્યા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક વખતથી ચાલતી શાંતિ સમજૂતીની વાતચીત ઉપર હવે લગભગ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. બન્ને દેશ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવતા પાકિસ્તાન તરફથી આ નવા ઘટનાક્રમો પછી કોઈ સત્તાવાર ટિપ્પણી આપવામાં આવી નથી. ઈરાને કરેલા હુમલા બાદ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હવે સમજૂતી અને વાટાઘાટો માટે ઘણું મોડું થઈ ગયું છે. હવે ઈરાને આની કિંમત ચૂકવવી પડશે. બીજીબાજુ ઈરાની રિવોલ્યુશ્નરી ગાર્ડ કોર તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમેરિકી નૌસેનાનાં પાંચમા બેડાં ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં બહેરીનમાં પણ અમેરિકાનાં હિતોને ડ્રોનથી નિશાન બનાવવામાં આવ્યા હતાં. જેને પગલે બહેરીનમાં નાગરિકોને એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું હતું. ઈરાનનાં આ હુમલા અમેરિકાએ કરેલા હવાઈ હુમલાનાં જવાબમાં થયા હતાં. અમેરિકાએ પણ પોતાનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા બાદ ઈરાનમાં હુમલા કર્યા હતાં. દરમિયાન યમન આસપાસનાં સમુદ્રી વિસ્તારમાં પણ હુથીઓ હરકતમાં આવી ગયા હતાં. ત્યાં એક માલવાહક જહાજ ઉપર હુમલાનો પ્રયાસ થયો હતો. જેમાં જહાજની સુરક્ષા ટીમ અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર પણ થયા હતાં. 

Panchang

dd