ભુજ, તા. 10 : માંડવીના આશીર્વાદનગરમાં રહેણાક
મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ખેલી ઝડપાયા હતા, જ્યારે મુંદરાના પોલીસ મથકના ગેટ પાસે જ મોબાઇલમાં
ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી કાર્યવાહી કરી હતી. આજે બપોરે માંડવી પોલીસને
બાતમી મળી હતી કે, ચાંદનીબેન જીતુભાઇ રાઠોડ (રહે. આશીર્વાદનગર,
માંડવી) પોતાના ભોગવટાના મકાનમાં અમુક ઇસમો સાથે ગંજીપાના વડે જુગાર
રમે છે. આ બાતમીના પગલે પોલીસે જરૂરી વોરંટ સાથે દરોડો પાડતાં તીનપત્તીનો જુગાર રમતા
ચાંદનીબેન ઉપરાંત ઝરીના દાઉદ ખલીફા (રહે. ભૂકંપનગરી, માંડવી)
અને હાસમ હુસેન સોતા (રહે. સલાયા, માંડવી)ને રોકડા રૂા. 14,980, બે મોબાઇલ કિં. રૂા. 8000 એમ કુલ રૂા. 22,980ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી
જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી
કરી હતી. બીજી તરફ મુંદરા ફર્ન હોટલ પાછળ રહેતો રવિકુમાર દ્વારકાનાથ રાજપૂત આજે મુંદરા
પોલીસ મથકના ગેટ પાસે વુમેન્સ ટી-ટવેન્ટી વર્લ્ડ કપની ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે
રમાઇ રહેલી ક્રિકેટ મેચ ઉપર પોતાના મોબાઇલમાં આઇ.ડી. પરથી હારજીતની જુગારનો સટ્ટો રમતો હતો ત્યારે મુંદરા પોલીસે તેને
ઝડપી લીધો હતો. પાંચ હજારનો મોબાઇલ કબજે લઇ તેની સામે જુગારધારા તળેનો ગુનો દાખલ કરી
પોલીસે કાર્યવાહી કરી હતી.