પ્રાગપર, તા. 10 : લિંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ડો. પ્રકાશચંદ્રજી સ્વામી આદિઠાણા-5 તથા તરુલતાબાઈ મહાસતીજી આદિઠાણા-3ની નિશ્રા હેઠળ પ્રાગપર છ કોટિ સ્થાનકવાસી
જૈન સંઘ દ્વારા પ્રાગપુર યુથ કમિટીના સહકારથી ત્રિદિવસીય યુથમીટનું આયોજન કરવામાં આવ્યું
હતું. યુવા પેઢી ધર્મ, સંસ્કાર અને
આધ્યાત્મિક મૂલ્યો સાથે વધુ ગાઢ રીતે જોડાય, જીવનમાં શિસ્ત,
સકારાત્મકતા, જવાબદારી તથા નેતૃત્વના ગુણોનો વિકાસ
થાય તેવા ઉમદા હેતુથી આયોજિત આ યુથમીટમાં 62 યુવક-યુવતીએ ભાગ લીધો હતો. યુથમીટમાં પ્રેરણાદાયી ધાર્મિક વ્યાખ્યાનો, આધ્યાત્મિક માર્ગદર્શન, ધાર્મિક પ્રશ્નોતરી, પ્રાગપર દર્શન સાથેની પ્રભાતફેરી,
પ્રતિક્રમણ, વ્યક્તિત્વ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ,
જ્ઞાનવર્ધક તથા મનોરંજક ગેમ્સ તેમજ આઉટડોર પ્રવૃત્તિઓ યોજાઈ હતી. યુથ
મીટ દરમિયાન યોજાયેલી આઉટડોર ગેમ્સનું સંચાલન નેહાબેન નિલેશ દેઢિયા દ્વારા કરવામાં
આવ્યું હતું. આ સમગ્ર પ્રસંગ દરમિયાન સાધુ-સાધ્વી, ભગવંતોના સંવત્
2082 (ઈ.સ. 2026)ના ચાતુર્માસ કાર્યક્રમોની
જાહેરાત કરવામાં આવી હતી. જાહેર થયેલા ચાતુર્માસ કાર્યક્રમ મુજબ આચાર્ય ડો. પ્રકાશચંદ્રજી
સ્વામી આદિઠાણા-1નું સમાઘોઘા
ચાતુર્માસ યોજાનારું છે. જ્યારે મહાસતી સુનંદાજી આદિઠાણા-4નું દહિંસર (ઈસ્ટ), મહાસતી તરુલતાજી આદિઠાણા-3નું લાકડિયા, મહાસતી દર્શનાકુમારીજી આદિઠાણા-4નું નાલાસોપારા (વેસ્ટ), મહાસતી મેહુલાકુમારીજી આદિઠાણા-3નું ચીરા બજાર, મહાસતી ઝરણાકુમારીજી આદિઠાણા-5નું સુરેન્દ્રનગર (જાંબુવાળા), મહાસતી મલ્લિકાકુમારીજી આદિઠાણા-2નું ફોર્ટ, મહાસતી ધર્મેચ્છાકુમારીજી આદિઠાણા-2નું અમદાવાદ (ભઠ્ઠા - પાલડી), મહાસતી હિતજ્ઞાકુમારીજી આદિઠાણા-4નું થાનગઢ, મહાસતી શુભેચ્છાકુમારીજી આદિઠાણા-3નું ગોરેગામ (એમ.જી.રોડ), મહાસતી સૌમ્યતાકુમારીજી આદિ આદિઠાણા-2નું તારદેવ, મહાસતી શ્રેષ્ઠતાકુમારીજી આદિ આદિઠાણા-2નું વલસાડ, મહાસતી પ્રશસ્તિ કુમારીજી આદિ ઠાણા - 3 બોરીવલી (ઈસ્ટ), મહાસતી આજ્ઞા કુમારીજી આદિ આદિઠાણા-3નું મણીનગર, મહાસતી ઝરણાકુમારીજી ગ્રુપ આદિઠાણા-3નું નવલપ્રકાશ (સુરેન્દ્રનગર), મહાસતી સમાધિકુમારીજી આદિઠાણા-3નું અંધેરી (વેસ્ટ) ખાતે ચાતુર્માસ યોજવાની
જાહેરાત કરાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રાગપર છ કોટિ સ્થાનકવાસી જૈન સંઘ, (પ્રાગપુર યુથ કમિટી)ઁ જહેમત ઉઠાવી હતી,
તેવું એક યાદીમાં મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.