ભુજ, તા. 27 : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા
ભુજમાં સિટીબસ સુવિધા શરૂ કરવા તથા વીજ સમસ્યાઓ ઉકેલવા રજૂઆત કરાઈ હતી. સિટીબસ સેવા અંગે
સુધરાઈ પ્રમુખ સમક્ષ કરાયેલી રજૂઆત મુજબ ભૂકંપ
બાદ ભુજનો વિસ્તાર વિસ્તર્યો છે. દૂર-દૂર સુધી સોસાયટી વિસ્તારો વિકસી ગયા છે.વર્ષ
2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે
મુખ્યમંત્રીએ ત્રણ શહેર માટે સિટીબસ સુવિધાની જાહેરાત કરી અને કરોડો રૂપિયા ફાળવ્યા
હતા. આજે ચાર વર્ષ થયા પરંતુ હજુ સુધી સિટીબસ શરૂ નથી થઈ. ભુજવાસીઓને શાકમાર્કેટ જવા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન
જેવા વિવિધ સ્થળોએ જવા મોંઘાં ભાડાં ખર્ચવા પડે છે. અસંખ્ય પ્રવાસીઓ વર્ષ દરમ્યાન ભુજ
અને કચ્છની મુલાકાત લે છે. સિટીબસના અભાવે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હાલની સ્થિતિમાં ઈંધણ બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય સિટીબસ સેવા છે. અન્ય રાજ્યોમાં ઈલેકટ્રીક
બસોની સુવિધા છે. કચ્છમાં દુનિયાનો સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ છે તો એમની પાસેથી સીએસઆર
અંતર્ગત નગરપાલિકાની ગટર યોજનાની જમીનો જે પડતર છે ત્યાં સોલાર પેનલ ઊભી કરી અને શૂન્ય
ખર્ચથી સિટીબસ ચલાવી શકીએ. સિટીબસ જો ઈ.વી. હોય તો ખર્ચો ઓછો થાય અને નુકસાન થવાની
સંભાવના ન રહે. - પદભાર સંભાળતાંવેંત જ સિટીબસ
માટે પ્રયત્નો કર્યા છે : આ અંગે સુધરાઈ
પ્રમુખ શીતલભાઈ શાહે જણાવ્યું કે, નગરપાલિકામાં
પદભાર સંભાળ્યું ત્યારે પ્રથમ ભુજવાસીઓને સિટીબસ સેવા સત્વરે મળે તે માટે પ્રયાસો શરૂ
કરી દીધા છે. જૂના સંચાલકોને મળી કારણો જાણવા સાથે બૃહદ કચ્છના સંચાલકો સાથે સંપર્ક
પણ કર્યો હોવાનું ઉમેર્યું હતું. તો બીજી સમસ્યા અંગે પીજીવીસીએલના સુપરિ. ઈન્જિનીયરને
રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ખાસ કરીને લો વોલ્ટેજની સમસ્યા આખા ભુજને સતાવી રહી છે. જેનાથી લોકોના કિંમતી ઉપકરણોને નુકસાન થઈ રહ્યું
છે અને શહેરીજનોને આર્થિક ખોટ પડી રહી છે.
ઉપરાંત લાઈટ આવવા-જવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ઉનાળામાં તાપમાન 47-48 ડિગ્રી જેટલું રહે છે. આવા
સમયે લાઈટ ન હોવાના લીધે વોલ્ટેજ વધઘટના કારણે બાળકો, વૃદ્ધો અને દર્દીઓને મુશ્કેલીમાં મુકાવું પડે
છે. રાત્રે ફોલ્ટ થાય છે ત્યારે અધિકારીઓના ફોન બંધ હોય છે કે રિસીવ નથી થતા. સ્માર્ટ
મીટરો લાગે છે, પણ તે
લાંબા સમય સુધી ઓનલાઈન થતા ન હોવાથી ગ્રાહકોને બિલ બે-ચાર મહિના સુધી મળતાં નથી. શહેરની 11 કે.વી. લાઈનો તેમજ એલ.ટી. લાઈનોમાં એબીસી કેબલ નાખવા જરૂરી છે.
અનેક શેરીઓમાં હાલ સિંગલ ફેઝ લાઈનના કેબલ કાર્યરત છે, જેના કારણે એક જ ફેઝ ઉપર બધા ઘરોનો લોડ આવી
જાય છે. થ્રી-ફેઝ કેબલ નખાય તો લોડ બેલેન્સિંગ સરળતાથી થઈ શકે તેમજ સર્વે કરી નવા ટ્રાન્સફોર્મર
ઊભા કરવાની જરૂર છે. રજૂઆતમાં કિશોરદાન ગઢવી, ફકીરમામદ કુંભાર,
અંજલિ ગોર, ચેતન શાહ વિ. જોડાયા હતા.