ભુજ, તા. 13 : વિકાસની હરણફાળ ભરતું ભુજ હવે
મહાનગર બનાવ તરફ ડગ માંડી રહ્યું છે. એક સમયે કોટ અંદરના વિસ્તારમાં પથરાયેલું ભુજ
હવે પ6 કિ.મી.ના વિશાળ વિસ્તારમાં ફેલાઈ ગયું છે.
શહેરનો વ્યાપ વધવા સાથે વાહનોની સંખ્યા વધી છે અને તેના કારણે ટ્રાફિકનું પ્રમાણ અતિશય
રીતે વધી ગયું છે. આગામી સમયમાં ટ્રાફિકનો પ્રશ્ન વધુ પેચીદો બને તેવી સંભાવનાને ધ્યાને
લઈ ભુજને સાંકળતા મહત્ત્વના માર્ગોને પહોળા કરી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અત્યારથી
જ કવાયત હાથ ધરવામાં આવી છે. - વધુ ટ્રાફિકવાળા
માર્ગને સિક્સલેનમાં ફેરવાશે : ભુજના જે માર્ગો પર ટ્રાફિક વધુ જોવા મળી રહ્યો છે, એવા માર્ગોને ફોરલેનમાંથી સિક્સલેનમાં ફેરવવા
માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરના 18 જેટલા રિંગરોડ અને અન્ય માર્ગોની
જવાબદારી માર્ગ-મકાન વિભાગને સોંપાયા બાદ હાલમાં એરોપ્લેન સર્કલથી લઈ પ્રિન્સ રેસીડેન્સીવાળા
ચાર રસ્તે થઈ મહિલા આશ્રમ ચોકડી સુધીના માર્ગને સિક્સલેનમાં ફેરવવા માટેની કામગીરી
ધમધમી રહી છે. નજીકના સમયમાં જ જ્યુબિલી સર્કલથી લઈ સુખપર ત્રણ રસ્તા સુધીના માર્ગને
સિક્સલેનમાં ફેરવવા માટેની કામગીરી પણ હાથ ધરાશે. આ માટે ટ્રાફિક સર્વે હાથ ધરવા સહિતનું
કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. - દબાણો હટશે, વેન્ડિંગ ઝોન બનાવાશે : માર્ગ-મકાન વિભાગમાંથી મળેલી સત્તાવાર વિગત અનુસાર રોડને પહોળો
કરવા માટે નડતરરૂપ દબાણો હટાવાશે અને આ માટેની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. નગરપાલિકા
દ્વારા આ માર્ગ પર વેન્ડિંગ ઝોન અને નો વેન્ડિંગ ઝોન બનાવાશે. વેન્ડિંગ ઝોનમાં જ ધંધાર્થીઓ
ધંધો કરી શકશે આ માટે જરૂરી પરવાનગી લેવી પડશે.
તેવું પ્રાંત અધિકારી અનિલ જાધવે જણાવ્યું હતું. - પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાશે : વિસ્તૃતીકરણ થયેલા માર્ગો ઉપર આડેધડ વાહનો
પાર્ક થવાના કારણે જ ટ્રાફિક સમસ્યા વધુ રહેતી હોવાના સામે આવેલા તારણ વચ્ચે આ માર્ગ
પર પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી આરંભવામાં આવી છે. આ માટે પ્લોટ
તારવવા સહિતનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે.
- રિંગરોડ સુધારણા માટે 94 કરોડ ફાળવાયા : ધારાસભ્ય કેશુભાઈ પટેલની રજૂઆત બાદ મુખ્યમંત્રીએ ખાસ કિસ્સામાં
નિર્ણય લઈ 18 માર્ગની જાળવણીની જવાબદારી
માર્ગ-મકાન વિભાગને સોંપવામાં આવી હતી. 18 રિંગરોડની સુધારણા માટે 94 કરોડની રકમ ફાળવણી કરી દેવામાં આવી છે અને એ મુજબ કામગીરી હાથ
ધરી દેવામાં આવી છે.