ભુજ, તા. 13 : કેન્દ્ર સરકારના દેશમાં દાણચોરી
રોકવા સહિતના વિવિધ પગલાંને જાણે નજરઅંદાજ કરી લઇ ચોરીના રસ્તા શોધી લઇને દેશને કરોડોનો
ચૂનો ચોપડવાના અનેક કિસ્સા અગાઉ પ્રકાશમાં આવ્યા છે,
ત્યાં હવે કચ્છનાં બંદરો ઉપરથી નિકાસનાં નામે મૂળ માલ ભારતમાં જ સગેવગે
કરી દઇ કન્ટેનરોમાં કચરો ભરીને સરકારનો 300થી 500 ટકા સેસ પરત
મેળવી લેવાનું કૌભાંડ પ્રકાશમાં આવે તેવા સંજોગો સર્જાયા છે.મોડસ ઓપરેન્ડી જો જોઇએ
તો તમાકુ અને સિગારેટ આયાત કરો તો 300થી 500 ટકા સેસ ભરવો
પડે છે, પરંતુ જો તે માલ પુન: નિકાસ કરી દેવાય (વાપર્યા
વિના) તો તે સેસ પરત મળી જાય છે. માલ મગાવ્યા પછી
ગમે તે કારણે તે પરત મોકલી દેવાના કાગળો તૈયાર કરાય છે, પરંતુ એ બધું માત્ર કાગળ ઉપર જ રહે છે. જો તમાકુ નિકાસ કર્યા બાદ પરત મોકલાય તો
તેના કન્ટેનરોમાં તમાકુ કાઢી લઇ માત્ર કચરો જ ભરી દેવાતો હોવાની શંકા ઉદ્ભવી છે. આવી
જ રીતે સિગારેટના કિસ્સામાં કન્ટેનરોમાંથી સિગારેટો કાઢી લઇને ખાલી ખોખાં પરત મોકલાતાં
હોવાનું ચર્ચાય છે. સુરત ડી.આર.આઇ.એ આવી જ શંકાના આધારે કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાંથી
નિકાસાર્થે મુંદરા બંદરે ગયેલા બે તમાકુનાં કન્ટેનરોનું અકસ્માતે તેમાં રહેલા જથ્થાનું
વૈજ્ઞાનિક પરીક્ષણ આદર્યું છે. જો તેમાં તમાકુના બદલે કોઇ નકામો માલ જણાશે તો આ સેસ
રિફંડનું કૌભાંડ પ્રકાશમાં આવશે. ઘણી વિદેશી બોગસ કંપનીઓ આવા ધંધાને પ્રોત્સાહન આપી
રહી છે. અહીંથી નિકાસ થયેલાં કન્ટેનરોમાં ભળતો કે નકામો માલ હોય છે તે તેમણે ફૂંકી
દેવાનો અને વાત પૂરી કરી દેવી તે સૌ જાણતું હોય છે. મૂળ આયાતનાં નાણાં ભારતમાંથી કોને
ચૂકવાયાં ? પરત ગયેલો માલ જે-તે કંપનીને મળ્યો કે નહીં
તે સહિતની તલસ્પર્શી તપાસ ખૂબ જરૂરી છે. એકલાં કંડલા એસ.ઇ.ઝેડ.માં જ તમાકુ-સિગારેટની
આયાત કરતાં 25 જેટલાં યુનિટ છે. એ જ રીતે દેશમાં અન્યત્ર પણ આવા યુનિટો
કાર્યરત હશે જ તે રીતે જોઇએ તો સેસ રિફંડનું આ કરોડોનું દેશવ્યાપી કૌભાંડ બની શકે છે.
હવે સુરત ડી.આર.આઇ. કેવી રીતે તપાસમાં આગળ વધે છે તે જોવું રહ્યું.