ભુજ, તા. 13 : નાણાકીય વર્ષ સંપન્ન થવાના
આડે હવે દોઢેક માસનો સમય બાકી રહ્યો છે, ત્યારે કચ્છના મોટાભાગના તંત્રો લક્ષ્યાંક પૂર્તિની કામગીરીમાં વ્યસ્ત બની
પરોવાયેલાં જોવા મળી રહ્યાં છે. નવાં આયોજનો ઘડવા સાથે આ વર્ષમાં જે લક્ષ્યાંક ફાળવાયા
છે, તે પૂર્ણ કરવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ગુજરાત
વિધાનસભાનું અંદાજપત્ર સત્ર પણ યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આ
સત્રમાં જનપ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવતી વિગતો સંકલિત કરવાનું કાર્ય પણ અંતિમ તબક્કે
પહોંચ્યું છે. - તિજોરી કચેરી દ્વારા અઢી હજાર
કરોડથી વધુનાં ચૂકવાણાનો અંદાજ : જિલ્લા તિજોરી કચેરીમાંથી મળેલી સત્તાવાર
વિગત અનુસાર હિસાબી વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચનો સમયગાળો નજીક આવી રહ્યો છે, તેમ ચૂકવણા માટે આવતાં બિલોની સંખ્યામાં સતત
વધારો જોવા મળતો હોય છે. આ નાણાકીય વર્ષ દરમિયાન તિજોરી કચેરીમાંથી 2પ00 કરોડથી વધુનું ચૂકવણું થાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
છેલ્લાં બે નાણાકીય વર્ષથી લગભગ 2000થી 2પ00 કરોડ જેટલું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે. - બેન્કનો ક્રેડિટ પ્લાન તૈયાર કરવાનો ધમધમાટ : જિલ્લાની લીડ બેન્ક બેન્ક ઓફ બરોડા દ્વારા નવાં નાણાકીય વર્ષ
માટેનો ક્રેડિટ પ્લાન તૈયાર કરવા માટેનો ધમધમાટ આરંભી દેવાયો છે. ક્રેડિટ પ્લાનમાં
ખેતી, શિક્ષણ, આરોગ્ય,
નાના ઉદ્યોગ સહિતને અગ્રતા આપવામાં આવશે. - વેરા વસૂલાત માટે એડીચોટીનું
જોર : ગ્રામ પંચાયતથી લઈ મહાનગરપાલિકા સુધી વિસ્તરેલા
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાન દ્વારા હાલમાં વેરા વસૂલાતનું લક્ષ્ય પાર પાડવામાં એડીચોટીનું
જોર લગાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે સ્થાનિક સવરાજ્યની ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે વેરા વસૂલાતની સાથે મહત્તમ વિકાસ કામો
હાથ ધરી ગ્રાન્ટ લેપ્સ જતી અટકાવવવાને અગ્રતા આપવામાં આવી રહી છે.