ભુજ, તા. 13 : સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનો
આવે એટલે ચારેબાજુ વેલેન્ટાઈન ડે અને યુવાનીનાં આકર્ષણની વાતો થતી હોય છે, પરંતુ પ્રેમ એટલે માત્ર યુવાનીનું આકર્ષણ નહીં,
પ્રેમ એટલે માતા-પિતાનાં ચરણોમાં થતું વંદન, ભાઈ-બહેન
વચ્ચેનો અતૂટ વિશ્વાસ અને જીવનસાથી સાથેનો જીવનભરનો સંઘર્ષમય સંગાથ. સમય સારો હોય,
ત્યારે તો સૌ કોઈ સાથે હોય છે, પણ જ્યારે નબળો
સમય આવે, ત્યારે એકબીજાને હૂંફ આપી દિલથી સેવા કરવી એ જ સાચો
પ્રેમ છે. ભુજના સામાજિક કાર્યકર મિતેષ હીરાલાલ શાહના સંપર્કમાં કેટલાક એવા કિસ્સાઓ
પ્રકાશમાં આવ્યા છે, જે વેલેન્ટાઈન ડેનાં પર્વને સાચા અર્થમાં
સાર્થક કરે છે. અહીં કેટલાક એવા `િરયલ લાઈફ વેલેન્ટાઈન' છે, જેઓ પોતાના સ્વજનની સેવામાં જ ઈશ્વરને જુએ છે. આ કિસ્સાઓ સાબિત કરે છે કે, ગુલાબ આપવાથી પ્રેમ નથી થતો, પણ કોઈનાં દર્દમાં ભાગીદાર
થવાથી પ્રેમ અમર થાય છે. આ જ સાચો વેલેન્ટાઈન છે. - પતિ જ પરમેશ્વર
: પુષ્પાબેન વાળંદ : 55 વર્ષીય શંકરભાઈ
વાળંદ છેલ્લાં આઠ વર્ષથી મોઢાનાં કેન્સરથી પીડાય છે. આ અતિ મુશ્કેલ સમયમાં તેમના પત્ની
પુષ્પાબેન અડીખમ ઊભા રહ્યાં છે. ઘરકામ કરવાની સાથે પતિની નાનામાં નાની જરૂરિયાતનું
ધ્યાન રાખતા પુષ્પાબેન કહે છે કે, `મારો સાચો વેલેન્ટાઈન મારા પતિ જ છે.' - પત્નીની સેવામાં સમર્પિત : મિલનભાઈ શાહ : સામાન્ય રીતે પત્ની પતિની સેવા કરતી હોય
છે, પણ અહીં દૃશ્ય અલગ છે. 52 વર્ષીય હીનાબેન શાહને બ્રેઈનની
તકલીફ થતાં તેઓ પથારીવશ છે. તેમના પતિ મિલનભાઈએ પોતાની નોકરી છોડીને પત્નીની સેવાનો
ભેખ લીધો છે. રસોઈથી માંડીને પત્નીની તમામ સેવા કરતા મિલનભાઈ કહે છે કે, `આ બીમારી
પછી અમારો પ્રેમ અનેકગણો વધી ગયો છે.' - શ્રવણની યાદ
અપાવતી દીકરી : દીપેન્તિબેન ઠક્કર : 30 વર્ષીય દીપેન્તિબેન ઠક્કર આજના યુવાનો માટે મિશાલ છે. પિતાને
કેન્સર, માતાને પેરાલિસીસ અને પોતાને કિડનીની તકલીફ
હોવા છતાં, દીપેન્તિબેને પોતાના તમામ અંગત શોખ અને લગ્નજીવનનાં
સપનાઓનો ત્યાગ કરી માતા-પિતાની સેવામાં જીવન સમર્પિત કર્યું છે. તેઓ કહે છે,
`મારો સાચો પ્રેમ અને વેલેન્ટાઈન મારા માતા-પિતા
જ છે.' - સાત ભવનો સાથ : જિતેન્દ્રસિંહ જાડેજા : સમાઘોઘા ગામના
મિરલબા જાડેજા (ઉ.વ.34) ડાયાલિસીસ
કરાવે છે અને પગની તકલીફને કારણે ચાલી શકતાં નથી. તેમના પતિ જિતેન્દ્રાસિંહ જાડેજા
પત્નીને બે હાથે ઊંચકીને હોસ્પિટલ લઈ જાય છે. તેઓ ગર્વથી કહે છે કે, `સાત ભવ સુધી
મને મિરલબા જ પત્ની તરીકે મળે, એ જ મારી
પ્રાર્થના છે.' - ભાઈ નહીં, પણ દીકરો : સંજયભાઈ પરમાર : 51 વર્ષીય માનસિક
દિવ્યાંગ બહેન ચેતનાબેનની સેવા કરતા તેમના ભાઈ સંજયભાઈ પરમાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું
ઉદાહરણ છે. માતા-પિતાનું અવસાન થઈ ગયું છે. લગ્ન કર્યા વગર રિક્ષા ચલાવીને સંજયભાઈ
બહેનની નાના બાળકની જેમ સંભાળ રાખે છે. તેઓ કહે છે,
`હું ભાઈ નહીં, પણ બહેનનો દીકરો બનીને સેવા કરું છું.'
- અખૂટ સ્નેહ
: નરેન્દ્રભાઈ ચાવડાના પત્ની : આડેસર ગામના નરેન્દ્રભાઈ ચાવડાએ અકસ્માતમાં
બંને પગ ગુમાવ્યા, પણ તેમના પત્નીનો
પ્રેમ જરાય ઓછો થયો નથી. તેઓ બહાર મજૂરી કામ કરીને પણ પતિ અને ત્રણ બાળકનું ગુજરાન
ચલાવે છે અને પતિની હૂંફ બનીને ઊભાં છે. - સંઘર્ષમાં સથવારો : પરેશભાઈ
અને તેમના પત્ની : લાખોદ ગામના 46 વર્ષીય પરેશભાઈ વાઘેલા છેલ્લાં
5ાંચ વર્ષથી ડાયાલિસીસ પર છે અને હાલમાં
પગમાં ફ્રેક્ચર પણ થયું છે. આવા સમયે તેમના પત્ની ઘર અને દીકરીના અભ્યાસની જવાબદારી
સંભાળવાની સાથે પતિને વ્હીલચેરમાં ભુજ ડાયાલિસીસ માટે લઈ આવે છે. તેમનો સેવાભાવ સાબિત
કરે છે કે, મુસીબતમાં સાથ આપે તે જ
સાચો જીવનસાથી.