દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 13 : ક્રાંતિગુરુ પં. શ્યામજી કૃષ્ણવર્માની
જન્મ ભોમકા અને વિવિધ ક્ષેત્રે દેશ-વિદેશમાં નામ અંકિત કરનારા- શાહ સોદાગરોની માતૃભૂમિ
આ બંદરીય શહેરના આજે 446મા સ્થાપના
દિને પરંપરાગત ખીલીપૂજન સાથે દરિયાલાલ પ્રવેશદ્વારે (કાંઠાવાળાં નાકે) તોરણવિધિ નગરપતિ
હરેશભાઇ વિંઝોડાના હસ્તે સંપન્ન થઇ હતી. આ અવસરે શહેરના પ્રથમ નાગરિકે શહેરીજનોને હરખમાં
સહભાગી બનાવતાં સર્વાંગી વિકાસયાત્રા બળવત્તર
બનાવવામાં સહયોગી બનવા હાકલ કરી હતી. ચારસો પિસ્તાળીસ વર્ષે પહેલાં તત્સમયે કચ્છના
મહારાવ ખેંગારજી બાવા સંગાથે શ્રેષ્ઠી ટોપણ શેઠના હસ્તે કાંઠાવાળા નાકે ખીલીપૂજનવિધિ
સાથે `મોં કઢી માંડવી'નો પ્રાદુર્ભાવ થયેલો એવા જાજરમાન ઇતિહાસની ધણિયાણી
ધરતીએ અનેક તડકી-છાંયડી વેઠી હોવાનાં સંસ્મરણો વાગોળવાની સાથે દરિયાલાલ પ્રવેશદ્વાર
પાસે નગર સેવા સદનના પ્રમુખ હરેશભાઇ વિંઝોડાએ વિધિપૂર્વક ખીલીપૂજન કરતાં નગરજનોની સુખાકારી,
સમૃદ્ધિની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે વિવિધ વિકાસકામો, પાઇપલાઇન હેઠળની યોજનાઓ ઉલ્લેખતાં કહેલું હતું કે, શહેરમાં
અપૂર્વ રીતે રસ્તાઓ પહોળા અને સોસાયટી વિસ્તારોમાં આંતર માર્ગો પાકા કરવા, પીવાના પાણીની સગવડો, રોડલાઇટ વિસ્તરણ, સ્વચ્છતા સંબંધે અનેક કામો હાથ ધરાઇ રહ્યાં છે ત્યારે શહેરને સોહામણું બનાવવા
તમામ સ્રોતો, નાગરિકોએ સહયાત્રામાં હકારાત્મક પ્રદાન આપવો અનિવાર્ય
છે. સત્તા પક્ષના નેતા લાંતિક શાહ, દંડક જયશ્રીબેન વાસાણી,
શહેર ભાજપ પ્રમુખ દર્શનગિરિ ગોસ્વામી વગેરે જોડાયા હતા. પૂર્વ નગર પ્રમુખ
હરેશભાઇ ગણાત્રા, સુજાતાબેન ભાયાણી, ઉર્મિલાબેન
પીઠડિયા, વિજય ચૌહાણ, પારસ સંઘવી,
વી.કે. સોલંકી, અબ્દુલ્લાહ ઓઢેજા, પીયૂષ ગોહિલ, પારસ માલમ, કસ્તૂરબેન
દાતણિયા, દીપાબા જાડેજા, ગોરધન પટેલ `કવિ',
જિજ્ઞેશ કષ્ટા, રશ્મિ ઝિંઝુવાડિયા, રાજેશ કષ્ટા, નિમેષ દવે, કિશનસિંહ
જાડેજા, કમલેશ ગઢવી, ગીતાબેન સોની,
કાશ્મીરા રૂપારેલ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મુકેશ
સોલંકી, લક્ષ્મીચંદ ફુફલ, નરેન સોની સહિતના
અગ્રણીઓ, પ્રતિનિધિઓ જોડાયા હતા. ઓ.એસ. મનજીભાઇ પરમારની દોરવણીમાં
ભૂપેન્દ્ર સલાટ, જયેશ ભેડા, રાજેશ ગોર,
ચેતન જોશીએ આયોજન સંભાળ્યું હતું. પ્રવીણભાઇ સુથારે સહકાર આપ્યો હતો.
ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે સંગઠન કાજે જિલ્લા બહાર હોવાથી તેઓએ પરોક્ષ રીતે ખુશાલી સાથે
વધામણી, શુભકામનાઓ પાઠવી
હતી. પુરોહિત કર્મ સંજય જોશીએ કરાવ્યું હતું. પ્રવેશદ્વારે તોરણ બંધાયાં હતાં.