નખત્રાણા, તા. 18 : નખત્રાણામાં આવેલા જીલ રેસિડેન્સી
વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાના કારણે રોગચાળો ફેલાયો છે. રહેવાસીઓ દ્વારા
આ બાબતે નગરપાલિકામાં ચોમાસાથી અત્યાર સુધી અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ સુધી સમસ્યાનો
હલ આવ્યો ન હોવાનો આક્રોસ વ્યક્ત કરાયો હોવા છતાં તંત્ર બેદરકાર હોવાના આક્ષેપો સાથે
ગટરની સમસ્યાનાં કારણે મોટો રોગચાળો ફેલાવવાની દહેશત વ્યક્ત કરાઈ હતી. જીલ વિસ્તારની
મહિલાઓ રણચંડી બની નગરપાલિકાને ઘેરાવ કર્યો હતો. અહીં અઢીસો જેટલા ઘરોની વસ્તી છે છતાં
પણ નગરપાલિકા દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી તેવું ઉમેર્યું હતું. આ સમસ્યા મુદ્દે પાલિકાના કર્મચારીઓએ વહેલી તકે
કામ કરી આપવાની ખાતરી આપી હતી પરંતુ આઠ દિવસ સુધી આ સમસ્યા હલ નહીં થાય તો જીલ રેસિડેન્સી
વિસ્તારની મહિલાઓ નગરપાલિકાને તાળાબંધી કરશે અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરશે
તેવી ચીમકી આપી હતી. સંઘર્ષ ન થાય તે માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ વિસ્તારના
રહેવાસી રાજેશભાઈ ગુલાબશંકરક જોશી તેમજ શારદાબેન જોશી, ગીતાબા, રંજનબા,
મયરીબેન જોશી, સોનલબેન મકવાણા કિંજલબેન જોશી,
શાંતિબેન, શાંતાબા, અરુણાબેન,
રૂપાબા, જ્યોત્સના બા, પવનબા
સહિતની મહિલાઓ જોડાઈ હતી.