ભુજ, તા. 18 : તેરાપંથ મહિલા મંડળ તથા અણુવ્રત
સમિતિ ભુજ દ્વારા તેરાપંથ ધર્મસંઘના નવમા અનુશાસ્તા આચાર્ય તુલસીનાં 100મા દીક્ષાવર્ષ નિમિત્તે આધ્યાત્મિક
કાર્યક્રમમાં તપ, જપ,
ત્યાગથી ભાવાંજલિ અર્પી હતી. કાર્યક્રમમાં 75 જેટલી મહિલા જપ-ધ્યાનમાં, 100 મહિલા મૌન
નવરંગીના સત્રમાં તથા 50 મહિલા તપ-સાધનામાં
રત રહી હતી. મહિલા મંડળના અધ્યક્ષા જાગૃતિબેન બાબરિયાના માર્ગદર્શન હેઠળ તથા મંત્રી
અદિતિબેન મહેતાના સંકલનથી ટીમે વ્યવસ્થા સંભાળી હતી. અણુવ્રત સમિતિના ઉપાધ્યક્ષ ભારતીબેન
શાહે મહિલાઓને અણુવ્રત સંકલ્પ પત્ર ભરાવ્યા હતા તથા નૈતિક જીવન તરફ નવા નિર્ધાર માટે
પ્રેરિત કર્યા હતા. સભ્યો તથા કાર્યકર્તાઓએ સહકાર આપ્યો હતો. બાળકો તથા યુવાઓમાં નૈતિક
મૂલ્યો વિકસે તે હેતુથી અણુવ્રત સંસ્કાર વર્ગો તથા શહેરને હરિયાળુ બનાવવા તથા પ્લાસ્ટિક
મુક્ત ભુજના સંકલ્પ સાથે પર્યાવરણ અણુવ્રત-વૃક્ષારોપણ, અભિયાનની
શરૂઆત કરાઈ હતી, તેવું અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા
રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય મહેશ પી. મહેતાની યાદીમાં જણાવાયું હતું.