ભુજ, તા 25 : મતદારયાદીને શુદ્ધ અને પૂર્ણ ક્ષતિરહિત
બનાવવા માટે કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશ અંતર્ગત કચ્છમાં પણ ખાસ મતદારયાદી સુધારણા
ઝુંબેશનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કચ્છની વાત કરીએ, તો જિલ્લામાં અત્યાર સુધી 64.62 ટકા કામગીરી સંપન્ન કરી લેવામાં
આવી છે, તો મૃત્યુ પામેલા કે પછી કાયમી સ્થળાંતર થઈ
ગયેલા મતદારો શોધવા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી
વિવેક બારહટે વિગતો આપતાં જણાવ્યું કે, કચ્છમાં છ વિધાનસભા ક્ષેત્રના
1848 બૂથમાં સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝનની
આ કામગીરી હાથ ધરવામાં આવી છે. - 10.9ર લાખ ફોર્મ ભરીને પરત આવ્યાં : કચ્છમાં ખાસ
મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 16,90,પ84 મતદારને આવરી
લઈ બૂથ લેવલ ઓફિસર મારફત તમામને એન્યમુરેશન ફોર્મ આપવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી
10,92,4પ6 ફોર્મ ભરીને પરત આવતાં તેની માહિતી ડિજિટલાઇઝ્ડ
પણ કરી લેવામાં આવી છે. જે ફોર્મ ભરીને પરત આવે છે તેને ડિજિટલાઈઝ્ડ કરવાનું કાર્ય
પણ બીએલઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. - વેળાસર ફોર્મ ભરી પરત કરવા તંત્રનું આહવાન : સરની કામગરી અંતર્ગત એન્યુમરેશન ફોર્મ ભરી પરત કરવાની અંતિમ
તારીખ 4 ડિસેમ્બર છે. નિર્ધારીત અવધી સુધી ફોર્મ
ભરીને પરત આપવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની
અગવડ પડે, તો બીએલઓનો સંપર્ક સાધવા જણાવાયું છે. ઉલ્લેખનીય
છે કે, આ આખુંય કાર્ય 2002ની મતદારયાદીના આધારે કરવામાં આવી રહ્યું છે. - અત્યાર સુધી
79 હજાર મતદારનાં નામ કમી થવાનું
લગભગ નિશ્ચિત : નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે, એસઆઈઆરની 64 ટકા કામગીરી ઉપરાંત જેઓ મૃત્યુ
પામ્યા છે, એવા મતદારોનાં નામ મતદારયાદીમાંથી
શોધવા તેમજ કાયમી સ્થળાંતરિત થયેલા મતદારોનાં નામ તારવવા માટેનું કામ ચાલી રહ્યું છે,
જેમાં અત્યાર સુધી 79473 મતદાર એવા શોધી કઢાયા છે કે તેમનાં નામ મતદારયાદીમાંથી નીકળી
જશે એ લગભગ નિશ્ચિત છે. આ 79,473 મતદારમાં
288પ0 મૃત્યુ પામેલા તેમજ 43643 સ્થળાંતરિત થયેલા મતદારોનો
સમાવેશ થાય છે.