• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

વવાર-પાવડિયારા માર્ગે પુલોનું કામ થયું, પુલ તો તૂટીયે ગયા, પણ રસ્તો ન બન્યો !

વવાર (તા. મુંદરા), તા. 30 : આ ગામને પાવડિયારા થઈને ભદ્રેશ્વર સાથે જોડતા માર્ગનું કામ મંજૂર થતાં તે માર્ગે બે-ત્રણ પુલો બનાવી દેવાયા, પરંતુ રસ્તાનું કામ આ પુલો ફરી તૂટી ગયા ત્યાં સુધી શરૂ નહીં થતાં આશ્ચર્ય પ્રસર્યું છે. એક તરફ ભ્રષ્ટાચારની વાતો વચ્ચે તંત્રનું મૌન લોકોની સમજની બહાર છે. વવાર-પાવડિયારા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાયા પછી દોઢ વર્ષના વહાણા વાઈ ગયા છે. હજુ આ કામનું કોઈ ઠેકાણું નથી. ખાતમુહૂર્ત થયું તે પછી બે-ત્રણ પુલના કામ થયા. આ કામ નબળાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રસ્તાનું કામ શરૂ થાય તે પહેલાં આ પુલો ખખડી ગયા છે. વવાર ગામ માટે આ રસ્તો ખૂબ ઉપયોગી છે. શાળા, આરોગ્ય સેવાઓ માટે તેમજ નોકરીયાત વર્ગને આવવા-જવા આ માર્ગ સુગમ છે. આ કારણે લોકો માર્ગનું કામ નબળું ન થાય તે માટે તંત્ર લાલ આંખ કરે તેવી માગણી કરી રહ્યા છે. ગામના સરપંચ-ઉપસરપંચે લેખિત-મૌખિક રજૂઆત કરી છે પણ તે ઘોળીને પી જવાય છે. રસ્તો કેમ બનતો નથી એ પ્રશ્ન ગામલોકોને સતાવી રહ્યો છે. લોકોએ કરેલા આક્ષેપ પ્રમાણે તંત્ર કે કામના ઠેકેદારને રસ્તા અંગે પૂછા કરાય છે તો શ્રમિકો નથી એવો જવાબ અપાય છે. આ જવાબ હોળીથી અપાઈ રહ્યો છે. દોઢ વર્ષથી માર્ગ નહીં બનવાથી અને ઠેકેદાર કે તંત્રના પેટનું પાણી નહીં હાલતું હોવાથી કોઈ મોટું માથું ઠેકેદારને છાવરી તો નથી રહ્યું ને તેવા પ્રશ્ન ખડા થઈ રહ્યા છે. તંત્ર આ માર્ગના કામ સંદર્ભે તત્કાળ પગલાં ભરે તેવી માગણી થઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang