ભુજ, તા. 20 : આગામી બોર્ડની જાહેર પરીક્ષા
નિર્વિઘ્ને પૂર્ણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર આનંદ પટેલનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા
સેવા સદન ખાતે જિલ્લા અને તાલુકાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે ભારપૂર્વક
જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ
હરહંમેશ દરેક કામગીરીમાં અગ્રેસર હોય છે ત્યારે બોર્ડની પરીક્ષા એ તમામ તંત્રોની સંયુક્ત
જવાબદારી છે. વિશેષ તકેદારી ધરાવતા કેન્દ્રો પર જિલ્લા અને તાલુકાના વર્ગ 1 અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવશે. પરીક્ષા
દરમ્યાન એસ.ટી.ના નિયામકે કોઈ પણ ગામમાંથી ડિમાન્ડ આવે તો તરત જ બસની સેવા પૂરી પાડવી, આરોગ્ય તંત્રએ દરેક કેન્દ્રો પર ટીમ હાજર રાખવી,
એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવી, વીજ પુરવઠો
કોઈ પણ અવરોધ વિના જળવાઇ રહે તે સુનિશ્વિત કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક
કલેકટર, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ
અધિકારીઓ, તાલુકા મામલતદારો, જિલ્લા પુરવઠા
તંત્ર, પી. જી. વી. સી. એલ., પશ્ચિમ અને
પૂર્વ જિલ્લા પોલીસ તંત્ર, એસ. ટી. વિભાગ, આરોગ્ય વિભાગના શીર્ષ અધિકારીઓ, બી.આર.સી. કો ઓર્ડીનેટરો
ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કન્ટ્રોલ રૂમ નંબર 02832 250156 પર કોઈ પણ તકલીફ હોય તો જાણ
કરવા કલેકટરે ઉપસ્થિત સર્વેને જણાવ્યું હતું. તેમજ ઝોનલ કચેરીના સંપર્ક નંબર પણ જાહેર
કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સર્વે તંત્રોના સહકાર બદલ આભાર માન્યો હતો.