નવી દિલ્હી, તા. 20 : એઆઈ ક્ષેત્રે
દુનિયાભરના સૌથી મોટા શિખર સંમેલનનું આયોજન ભારતમા થયું છે. નવી દિલ્હી સ્થિત ભારત
મંડપમ્માં યોજિત `ઈન્ડિયા એઆઈ
ઈમ્પેક્ટ સમિટ'માં ભારત અને અમેરિકા વચ્ચે
મહત્ત્વાકાંક્ષી `પૈક્સ સિલિકા' સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ અવસરે
અમેરિકાએ કહ્યુંં હતું કે, ભારત પાસે એવી પ્રતિભાઓ છે જે કોઈ
પણ પડકારનો સામનો કરી શકે છે, મોદી-ટ્રમ્પ આ મુદ્દે જલ્દી મળશે.
સમિટના અંતમ દિવસે શુક્રવારે થયેલા આ સમજૂતી કરારનો હેતુ દુનિયાભરમાં સેમિકન્ડક્ટર
અને એઆઈની સપ્લાય ચેઈન (પુરવઠા સાંકળ)ને સુરક્ષિત કરવાની સાથોસાથ મિત્ર નથી તેવા દેશો
પર આધાર ઘટાડવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અમેરિકી આર્થિક બાબતોના
સચિવ જૈકબ હેલબર્ગે આ ચાવીરૂપ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની
વૈષ્ણવે કરાર થયા બાદ કહ્યું હતું કે ભારત દેશ હવે `પૈક્સ સિલિકા'નો સભ્ય બની ગયો છે. આ મહત્ત્વની સમજૂતી પછી
હવે ભારત ઈલેકટ્રોનિક્સ અને સેમિકન્ડકટર ક્ષેત્રનું હબ બનશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતમાં પહેલાંથી જ 10 પ્લાન્ટ્સ
પર કામ ચાલી રહ્યું છે. ઘણું જલ્દી દેશના પ્રથમ સેમિકન્ડકટર પ્લાન્ટમાં ચિપનું વ્યાવસાયિક
ઉત્પાદન શરૂ થઈ જશે. વિશ્વમા સેમિકન્ડક્ટર ઉદ્યોગને આવનારા સમયમાં વધારાના 10 લાખ કૌશલ્યધારી વ્યવસાયીઓની
જરૂર પડશે. દુનિયાને તેના માટે ભારત પાસેથી આશા છે. ભારત દેશ સેમિકન્ડક્ટર અને ઈલેકટ્રોનિક્સ
ઉદ્યોગમાં વૈશ્વિક નેતૃત્વ કરવાની દિશામાં ઊર્જાભેર પ્રયાસો કરશે તેવું તેમણે ઉમેર્યું હતું. એઆઈ સમીટમાં સામેલ અમેરિકાના
રાજદૂત સર્જિયો ગોર `પૈક્સ સિલિકા'નાં જોડાણમાં ભારતના પ્રવેશને રણનીતિકરૂપે અનિવાર્ય
લેખાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત પાસે એવી પ્રતિભાઓ
છે, જે કોઈ પણ પડકારનો સામનો કરી શકે છે. ઈજનેરી ક્ષેત્રમાં ભારત
પાસેનું ઊંડાણ આ જોડાણ માટે જરૂરી છે. ગોરે ભારતમાં યોજિત એઆઈ સમીટને બેદહ પ્રભાવશાળી
લેખાવી હતી. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કરાર મુદ્દે જલ્દી મળશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે,
ભારત અને અમેરિકાના મજબૂત સંબંધ વિશ્વ માટે હિતકારી છે. એઆઈનો ફાયદો
સૌને મળી શકશે.