• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ભીમાસર-વરસામેડી વચ્ચે ટ્રકની હડફેટે અકાળે બે યુવાનોનાં મોત

ગાંધીધામ, તા. 20 : અંજારના ભીમાસરથી વરસામેડી જતા માર્ગ ઉપર ટ્રકએ એક્ટિવાને હડફેટમાં લેતાં એક્ટિવા પર સવાર ભલા રયજીભાઇ નાયકનું ત્યાં જ મોત થયું હતું. જ્યારે સુરેશ હરિભાઇ પરમાર નામના યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બીજીબાજુ પડાણા નજીક રતન શિવચંદ્રરામ (ઉ.વ. 40)નું કોઇ કારણે મોત થયું હતું. વરસામેડીની બાગેશ્રી-1માં રહેનાર સુરેશ પરમાર તથા ભલા નાયકને ગત તા. 16/2ના રાત્રિના અરસામાં અકસ્માત નડયો હતો. આ બંને એક્ટિવા નંબર જી.જે.-12-ઇ.કે.-8730 ઉપર સવાર થઇને ભીમાસરથી વરસામેડી બાજુ આવી રહ્યા હતા. તેમનું એક્ટિવા આશાપુરા ઇમ્પેક્ષ કંપનીથી થોડું આગળ પહોંચ્યું હતું ત્યારે સામેથી ધસમસતી આવતી ટ્રક નંબર જી.જે.-12-એ.ઝેડ.- 8876એ આ એક્ટિવાને હડફેટમાં લીધી હતી, જેમાં એક્ટિવા પાછળ બેઠેલા ભલાભાઇને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું બનાવ સ્થળે જ મોત થયું હતું, જ્યારે મોપેડચાલક સુરેશ પરમારને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં યુવાનને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ટ્રકચાલક સામે રમેશ બાબુ પરમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એકીસાથે બે યુવાનોનાં મોતને પગલે ભારે ગમગીની પ્રસરી હતી. બીજીબાજુ પડાણા-ભીમાસર માર્ગ કચ્છ કેમિકલ કંપની નજીક બનાવ બન્યો હતો. રતન નામના આધેડે પોતાના કાકા સુરેશ સહદેવને ફોન કરી તોતડાતી જીભે કાકા એટલું કહ્યું હતું. વધારે કંઇ બોલી શક્યા નહોતા જેથી સુરેશે કંપની બહાર જઇને જોતાં તેમનો આ ભત્રીજો બેભાન પડયો હતો, તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd