• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

રોજેદારોની સગવડતા માટે વીજ, પાણી સહિતની વ્યવસ્થા કરવા માટે માંગ

ભુજ, તા. 20 : હાલ રમજાન મહિના દરમ્યાન મુસ્લિમ વિસ્તારોમાં વીજ, પાણી, ગટરવ્યવસ્થા જળવાઇ રહે જેથી મુસ્લિમ સમાજના રોજેદારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટર તથા પોલીસ અધીક્ષક સમક્ષ રજૂઆત કરાઇ હતી. પીજીવીસીએલ દ્વારા દર અઠવાડિયે મુકાતા વીજકાપને આ માસ દરમ્યાન મુસ્લિમ વિસ્તારોમાં કાપ ન થાય તેનું ધ્યાન દોરવા જણાવાયું હતું. આસ્થા ચોકડી પાસે શાળામાં 390 જેટલા બાળક અભ્યાસ કરતા હોવાનું જણાવતાં બાજુમાં નેશનલ હાઇવે હોવાથી બમ્પ તેમજ સલામતી માટે પણ રજૂઆત કરાઇ હતી. બન્ની વિસ્તારમાં નિયમિત પાણી વ્યવસ્થા તેમજ નળ ત્યાં જળ યોજના લાગુ કરવા, લખાબો ગામ સહિત જ્યાં ટેન્કર દ્વારા પાણી અપાય છે ત્યાં નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા હ્યુમન રાઇટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા-જિલ્લા પ્રમુખ કાસમ તુગાજી નોડેએ જણાવ્યું હતું. નખત્રાણા તાલુકા કોંગ્રેસ મહામંત્રી જુસબભાઇ સોઢાએ નખત્રાણા, દેશલપર ગુંતલી વિસ્તારમાં વીજ પુરવઠો નિયમિત જાળવી રાખવા પીજીવીસએલને માંગ કરી હોવાની અપીલ કરી છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા, સૈયદ મહેબૂબશા, સૈયદ અહમદશા, ઇકબાલભાઇ જત, ઇમરાનભાઇ નોડે, અનીસભાઇ જુણેજા, ઇરફાન હાલેપોત્રા, મોહસીન સમા, અલી ખલીફા, જાવેદભાઇ કુંભાર તથા શાળાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd