ભુજ, તા. 20 : કચ્છમાં પ્રથમ વખત જનરલ સિમેન્ટિક્સ
એટલે કે ભાષા, વિચાર અને વાસ્તવિકતાના
સિદ્ધાંતને સમજવા માટે ત્રિદિવસીય કાર્યશાળાનું
આયોજન લાલન કોલેજમાં બળવંત પારેખ સેન્ટર (વડોદરા)ના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું,
જેમાં કાયદાશાત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસ અને ભાષા-સાહિત્ય સહિતના વિવિધ વિષયના અધ્યાપકો, સંશોધકો અને સ્નાતક/અનુસ્નાતક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના પ્રાચાર્ય
ડો. સી. એસ. ઝાલાના માર્ગદર્શનમાં લાલન કોલેજના અંગ્રેજીના વિભાગ અધ્યક્ષ ડો. મનોજ
છાયાએ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. અંગ્રેજીના અધ્યાપકો ડો. હેતલ મેરિયા તેમજ
ડો. મેહુલ મકવાણાએ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો, તો ડો. અમીન
સમાએ આભારવિધિ કરી હતી. સંચાલન પ્રો. કૌસ્તુભ મિશ્રા તેમજ કિશન પંડયાએ સંભાળ્યું હતું.
ત્રણ દિવસ દરમિયાનના કુલ 10 સત્ર પૈકી
ડો. અસ્મિતા કુંડુ દ્વારા જનરલ સિમેન્ટિક્સનો પરિચય આપીને મુખ્ય સત્રોની શરૂઆત કરવામાં
આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં
જ્ઞાન તરીકે લેવામાં આવતું તમામ સાહિત્ય આખરે એબસ્ટ્રેક્શન છે. તમામ માહિતી અને તથ્યો
માત્ર કોઇને કોઇ વ્યક્તિના અનુભવો અને સમજણને આધારે બનાવેલા દૃષ્ટિકોણ છે. આફ્રેડ કોરઝીબસ્કી
દ્વારા લખાયેલ `સાયન્સ એન્ડ
સેનિટી' અને `મેનહુડ ઓફ હ્યુમેનિટી' જેવાં પુસ્તકો પ્રતીકવાદ અને અર્થની બહુલતા સમજવામાં મદદ કરે છે. જનરલ સિમેન્ટિક્સ
મુજબ અર્થ માનસિક પ્રક્રિયા દ્વારા બને છે. આથી વાચકોની પ્રતિબદ્ધતા પણ મોટો ભાગ ભજવે
છે. દ્વિતીય સત્રમાં ડો. સોનલ નીંબકર દ્વારા
ટાઇમ બાઉન્ડિંગ પર ચર્ચા કરવામાં આવી હતી. અન્ય જીવોની સરખામણીમાં માનવોની ખાસિયત
એ છે કે, તેઓ અગાઉના જ્ઞાનને સંચિત કરીને ભવિષ્યની પેઢીને આપી
શકે છે. ભાષા અને ચિહ્નો આ પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તૃતીય સત્રમાં ડો. પ્રતીક્ષા
ચાવડા દ્વારા `ઇ-પ્રાઇમ
: એ સેફ્ટી ડિવાઇસ' વિશે ચર્ચા
કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગેજી વિભાગના પ્રાધ્યાપક ડો. કમલ મહેતા
દ્વારા રામાયણ અને મહાભારતનાનાં પાત્રો અને પ્રસંગોનાં ઉદાહરણો દ્વારા જનરલ સિમેન્ટિક્સ
વિશે ખ્યાલ આપવામાં આવ્યો હતો. જનરલ સિમેન્ટિક્સનો સિદ્ધાંત એ ભાષા, વિચાર
અને વાસ્તવિકતા વચ્ચેના સંબંધને સમજવાનો અભ્યાસ છે. ત્રીજા દિવસે આ કાર્યક્રમ માટે
ખાસ આવેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક ડો. સંજય મુખર્જી દ્વારા
ખૂબ જ રસપ્રદ ઉદાહરણોના માધ્યમથી જનરલ સિમેન્ટિક્સ વિશે સમજણ આપવામાં આવી હતી. કાર્યશાળાના
અંતે પ્રતિભાગીઓ તરીકે ડો. ઉષાબેન ભટ્ટ, ડો. કોમલ વાણિયા,
ડો. સલીમ હિંગોરા, શુચિ જોશી, જિગર ડુંગરખિયાએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. લાલન કોલેજ વિશ્વજીતસિંહ ચૂડાસમા,
અલીમ નોતિયાર, દિયા માકાણી, દિવ્યા રબારી, ઉર્વી ભગત, બ્રિન્દા
ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી.