ભુજ, તા. 20 : કચ્છ જિલ્લાના અર્થતંત્રના
કરોડરજ્જુ સમાન ચાઈનાક્લે ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈએ લઈ જવા માટે આ ઉદ્યોગમાં
સિલિકાના નિકાસ માટે અલગ HSN કોડ પ્રાપ્ત
થાય તે હેતુથી કચ્છ ચાઈનાક્લે એસોસીએશન દ્વારા માંગ કરાઈ છે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ
ચાવડા અને એસોસીએશનના પ્રમુખ ગોકુલભાઈ ડાંગરની સીધી આગેવાની હેઠળ પ્રતિનિધિમંડળે નવી
દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના સંયુક્ત સચિવ અનુપમ પ્રકાશ સાથે મુલાકાત
કરીને આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન કચ્છમાં ચાઈનાક્લેના
શુદ્ધીકરણ બાદ પ્રાપ્ત થતી સિલિકાના નિકાસમાં આવતી ટેકનિકલ મુશ્કેલીઓ અને ઇંજગ કોડના
અભાવે થતી અડચણો અંગે સચિવને માહિતગાર કરાયા હતા જેને પ્રતિસાદ આપતાં સંયુક્ત સચિવે
સમગ્ર બાબતે સકારાત્મક વલણ દાખવી જરૂરી કાર્યવાહીની ખાતરી આપી હતી. જો આ માગણી સંતોષાય તો આગામી દિવસોમાં કચ્છના ચાઇનાક્લે
ઉદ્યોગ માટે નિકાસના દ્વાર વધુ સરળતાથી ખૂલશે તથા દેશની રેવન્યૂ આવક પણ વધશે, જેનો ફાયદો દેશના અર્થતંત્રમાં થશે અને સ્થાનિક
રોજગારી સહિતના આર્થિક પાસાઓમાં મોટો ઉછાળો જોવા મળી શકે તેમ છે. દિલ્હી ખાતે રજૂઆતમાં એસોસીએશનના ઉપપ્રમુખ
શામજીભાઈ ઢીલા, ભરતભાઈ ડાંગર, સહમંત્રી
દીપક ડાંગર, શિવજીભાઈ પટેલ, રમેશભાઈ ડાંગર
તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સારિકભાઈ મેમણ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.