• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ગુજરાત દેશ સાથે દુનિયાને દિશા આપે છે

અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજે ગુજરાતની 3 દિવસીય મુલાકાતે છે, ત્યારે  અમદાવાદમાં એરપોર્ટ ખાતે ડોમ બનાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નીતિન નબીનને આવકારવા ભવ્ય સ્વાગત-અભિવાદન કાર્યક્રમમાં ભાજપા કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું ભવ્ય સ્વાગત થતાં તેમણે ગુજરાતની ધરતી પર આવવાનું સૌભાગ્ય ગણાવ્યું આ સાથે જ તેઓએ કહ્યું કે ગુજરાત અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે. `મહાત્મા ગાંધી, સરદાર વલ્લભાઈ પટેલ જેવા મહાપુરુષો જન્મ્યા` છે. આ વિરાસતને વધારવાનો શ્રેય ઙખ મોદીને જાય છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે અમિતભાઈ શાહે દેશમાં ભાજપનો વિસ્તાર કર્યો છે.કાર્યકર્તાઓના પરિશ્રમ,સંઘર્ષ અને પુરુષાર્થથી આજે ગુજરાત વિકસીત ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે.  નીતિન નબીને જણાવ્યું હતું કે, ગુજરાતે લાંબા સમયથી ભાજપાની સરકાર હેઠળ વિકાસનો સકારાત્મક અનુભવ કર્યો છે. આજે ગુજરાત માત્ર દેશને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને દિશા આપી રહ્યું છે. ગુજરાતને આંદોલનની જનની તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અહીં આંદોલન ફક્ત પરિવર્તન માટે જ નહીં, વિકાસ માટે અને નવી ઊર્જાના સંચાર માટે પણ થાય છે. ગુજરાતની જનતા ફક્ત રાજ્ય માટે સરકાર પસંદ કરતી નથી, પરંતુ એવા નેતૃત્વને પસંદ કરે છે જેના બળ પર આજે આખો દેશ આગળ વધી રહ્યો છે.  નીતિન નબીને આવનારા વર્ષ 2027 અને 2029ને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે કેટલીક એવી તાકતો ફરી માથું ઊંચું કરી રહી છે, જેઓને દેશની સુરક્ષા કે સામાન્ય જનતા સાથે કોઈ લગાવ નથી અને જે ફક્ત પોતાના હિત માટે કાર્ય કરે છે. તેમણે જણાવ્યું કે ભાજપાના કાર્યકર્તાઓ ફુલ ટાઇમ પોલિટિશિયન છે, જે સતત જનતા વચ્ચે રહીને કાર્ય કરે છે. ચૂંટણી સમયે કેટલાક પાર્ટ-ટાઇમ રાજકારણીઓ જનતા વચ્ચે આવે છે, પરંતુ આપણે જનતા સાથે એવો સજીવ અને મજબૂત સંબંધ સ્થાપિત કરવો જોઈએ કે આવા પાર્ટ ટાઇમ રાજકારણીઓ માટે કોઈ જગ્યા ન રહે.  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌથી યુવાન વયના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનજીના નેતૃત્વમાં પાર્ટી વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને   મિલેનિયમ રાષ્ટ્રીય અધ્યક્ષ  તરીકે સંબોધ્યા છે. નીતિન નબીન એવા અધ્યક્ષ છે, જે બાળપણથી આજ સુધી બદલાતા ભારતના સાક્ષી રહ્યા છે. તેઓ પાસે સરકાર અને સંગઠન બંનેનો વ્યાપક અનુભવ છે. તેઓ સાલસ, સહજ અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. અનેક રાજ્યોના પ્રભારી તરીકે તેમણે સફળ અને અસરકારક ભૂમિકા નિભાવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેમનું નામ જાહેર થયું ત્યારે ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રીક પાર્ટીની આ જ વિશેષતા અને તાસીર છે કે અહીં બુથ લેવલનો કાર્યકર્તા પણ પોતાના સમર્પણ, કાબેલિયત અને ક્ષમતાના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચવાનો અવકાશ ધરાવે છે.  

Panchang

dd