વિશ્વનાથ જોશી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 14 : તાજેતરમાં
ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર બાયોડાયવર્સિટી
હેરિટેજ જાહેર કરાયો. ભારતના સૌથી છેવાડે સરહદ પર આવેલું ગુનેરી ગામ સેવા, ધર્મ અને કર્મથી જાણીતું છે. અહીં પુનરાજપીર
દાદાના પરિવારે નારાયણ સરોવર-કોટેશ્વર જતા યાત્રિકોની સેવા કરી છે, તો સુડધ્રોના ખાનજી બહારવટિયા સાથે એક સાથીદાર સ્વ. હરભમજી જેઓ ગુનેરીના હતા
અને સત, સિદ્ધાંત પર ચાલતા મહિલા, ધર્મની
રક્ષા કરતાં અહીંના હોથી યોદ્ધાઓએ ઝારાના જંગમાં કચ્છને બચાવવા પ્રાણોની આહુતિ આપી,
આવી સંત-શૂરાની ભોમકામાં ગુનેરીની પશ્ચિમ બાજુએ આવેલા ડુંગરોની ધારમાં
નિત્ય નિરંજન શિવગુફાઓ જોવા મળે છે. આ વિશાળ ગુફાઓનું નિર્માણ ફક્ત એક જ મહાત્માએ પોતાની
જાતમહેનતથી કર્યું છે. નમો નારાયણનાં નામથી જાણીતા ઉત્તરપ્રદેશના હમીરપર જિલ્લાના વતની ઉદયનંદગિરિજીએ
નાનપણમાં જ સંન્યાસ ધારણ કરી પુંઅરેશ્વર મંદિર ખાતે ગુરુ શંકરગિરિજી મહારાજના સાંનિધ્યમાં
રહ્યા હતા અને 2001ના ભૂકંપ
પછી કુદરતી સંકેત મળતાં તેમજ સ્વપ્નમાં વડ, આંબલી, ડુંગર જે સ્થાન દેખાયું તે જગ્યા અહીં મળી આવતાં શરણ નદીના કાંઠે ધૂણો પ્રજ્વલિત કર્યો હતો. ત્યારબાદ
આ મહાત્માજીએ સતત 12 વર્ષ સુધી ત્રિકમ, પાવડા, ટાંકણા,
હથોડાથી 10 ફૂટની ઊંચાઇવાળી 30x40 ફૂટની ગુફા જાતમહેનતથી બનાવી હતી, જેમાં આધુનિક ટેકનોલોજીને પણ શરમાવે તેમ ગુફામાં
જ શિવલિંગ, ધૂણો, પાર્વતીજીની મૂર્તિ ડુંગરના
જ પથ્થરમાં માપ-મેજરથી એવી રીતે કોતરકામ કરી નિર્માણ કર્યું કે ઘણાને એવું લાગે શિવલિંગ,
મૂર્તિ, ધૂણા
પાછળથી બન્યા હશે, પણ ખરેખર તો તે ગુફાની કોતરકામ સાથે
જ તેનું કામ થતું આવ્યું અને અદ્ભુત ચાર ઓરડા (ગુફા)નું એક સાથે નિર્માણ કર્યું. શિવમંદિર
નિર્માણ થયું. ગુફા અંદરથી બહાર જવા પણ પગથિયાનું નિર્માણ કરાયું. આખી ગુફા જોવામાં
આવે તો ખરેખર ઇજનેરી કૌશલ્ય દેખાઇ આવે છે.
આ મહાત્માજી પાસે ઇજનેરી જ્ઞાન ક્યાંથી આવ્યું તે આશ્ચર્ય જેવું છે. ફક્ત એક જ મહાત્મા
પોતાની જાતમહેનતથી અદ્ભુત ગુફાઓ બનાવી એ મહાત્મા ઉદયનંદગિરિજી (નમો નારાયણ) તો બ્રહ્મલીન થયા છે, પણ દરવર્ષે
હજારો લોકો, યાત્રિકો આ ગુફા જોવા અચૂક આવે છે. વહેતા ઝરણા,
ડુંગરોની ધાર, વૃક્ષોની હરિયાળી વચ્ચે આ સ્થળ રમણીય
બન્યું છે. હાલમાં અશોકભારથીજી બાપુ મહંત તરીકે રહી સેવા-પૂજા કરે છે. પાણીની સુવિધા
માટે બોર, વીજળી સુવિધા પણ ઉપલબ્ધ છે. દાતાઓનો સારો સહયોગ મળે
છે. ઘડુલીથી સિયોત-કટેશ્વર થઇ ગુનેરી ગુફા
પહોંચાય છે. 17 કિ.મી.નો
રસ્તો પણ પાકો બની ગયો છે. રામેશ્વર મહાદેવ શિવલિંગ ચાર ફૂટની ઊંચાઇ અને બે ફૂટ પહોળું
કોતરીને બનાવાયું છે. પ્રદક્ષિણા પથ, નીજમંદિરથી ઉપર જવા પગથિયાં, બગીચો વિગેરે કાર્યો માટે
બ્રહ્મલીન ઉદયનંદગિરિજી નમો નારાયણની અથાગ મહેનત કામ આવી છે. હાલ પણ દરવર્ષે પાટોત્સવ-મહોત્સવ
યોજાય છે.