• શનિવાર, 19 એપ્રિલ, 2025

મુંદરા તા.ના સૂચિત વીજટાવરોથી ખેતીને જોખમ

મુંદરા, તા. 17 : તાલુકામાં આકાર લેનારા સૂચિત 4500 મેગાવોટનાં વીજ સબ સ્ટેશનનાં નિર્માણ માટે પ્રસ્તાવિત 765/400 કેવી ટ્રાન્સમિશન લાઇનો અને ટાવરોથી તાલુકાનાં અનેક ગામોમાં ખેડૂતોની જમીનનો નોંધપાત્ર હિસ્સો ખેતી અને બાગાયત માટે નકામો થઇ જશે, ખેડૂતોને આજીવિકાનું સંકટ ઊભું થશે અને પર્યાવરણ-પશુપાલન પર પણ વિપરીત અસર પડશે એવી રજૂઆત આજે મુંદરા પ્રાંત કચેરીનાં માધ્યમથી જિલ્લા કલેક્ટરને મોટી સંખ્યામાં એકત્રિત ખેડૂતો દ્વારા આવેદનપત્ર સાથે કરવામાં આવી હતી. ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ લગભગ 100થી વધુ ખેડૂતોની સહી સાથેના મુંદરા પ્રાંત કચેરીએ પાઠવાયેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે ટ્રાન્સમિશન લાઇનો અને ટાવરો ખેડૂતોની જમીનોમાંથી નાખવામાં ન આવે, જે લાઇનો નવીનાળ, શિરાચા, મોટી ભુજપુર, દેશલપર, મોટી ખાખર, ડેપા, રામાણિયા, તુંબડી નાની-મોટી વિગેરે ગામોમાં ખેતરમાંથી પસાર કરવાની યોજના છે, જેને સીઇઆરસી દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. સૂચિત પ્રોજેક્ટમાં 42 મીટર પહોળો કોરિડોર અને દરેક ટાવર માટે 10ડ્ઢ10 મીટર જમીનનો ઉપયોગ કરાશે, જેથી આજીવિકાના સ્રોત એવા બાગાયતી પાકોને નુકસાન જશે. મોટી સંખ્યામાં ખેડૂતો નવીનાળ ગામથી વિશાળ ટેક્ટર રેલી સ્વરૂપે મુંદરા પ્રાંત કચેરીએ સવારે પહોંચ્યા હતા અને જ્યાં મામલતદાર દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું. પત્રમાં આ સૂચિત નવીનાળ ટ્રાન્સમિશન લિ.ના સબ સ્ટેશન અને લાઇનોથી જોખમો દર્શાવતાં જણાવ્યું હતું કે, પહેલાંથી જ નવ જેટલી હેવી વીજલાઇનો પસાર થાય છે, પહોળા કોરિડોરમાં વૃક્ષોને ઉગાડવાની મંજૂરી ન હોવાથી ઉત્પાદન ઘટશે, ગ્રીન બેલ્ટને નુકસાન થશે, ત્યારે આ લાઇનો ખેડૂતોની જમીનોમાંથી પસાર ન કરીને વૈકલ્પિક જગ્યાએ ખસેડવામાં આવે તેવી માગણી છે. ખેડૂતો સંઘર્ષ સમિતિના પત્ર સાથે મુંદરા તાલુકા કોંગ્રેસ, દેશલપર ગ્રામ પંચાયત, દેશલપર (કંઠી) પટ્ટણી દાતણિયા સમાજ, દેશલપર રાજપૂત ક્ષત્રિય સમાજ, ઝરપરા ચારણ સેવા સમાજ, મુંદરા તા. વ્યાવસાયિક એસો. વિગેરેએ પણ રજૂઆતપત્ર સાથે વિરોધને સમર્થન પાઠવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd