• શુક્રવાર, 15 નવેમ્બર, 2024

વડનગરમાં હાટકેશ્વર મંદિરનું કામ પૂર્ણતા ભણી

ભુજ, તા. 14 : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે `સંગીત સામ્રાજ્ઞી તાના-રીરી'ની યાદમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ વડનગર ખાતે તાનારીરી ગાર્ડન ખાતે બેદિવસીય સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં કચ્છ સહિત વિવિધ જિલ્લાના નાગર જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ, ભુજમાંથી નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલભાઇ મહેતાનાં માર્ગદર્શન હેઠળ નાગર સમાજના સભ્યો ખાસ બસ મારફતે વડનગર પહોંચ્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં અધ્યક્ષ એવા ઉદ્ઘાટા રાજ્યના મંત્રી મૂળુભાઇ બેરાએ ઐતિહાસિક નગરી વડનગરનું પુરાતન મહત્ત્વ દર્શાવીને રાજ્ય સરકારે આદરેલાં વિકાસકાર્યોની ગાથા વર્ણવી હતી. તેમાં તે સમાજના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું કામ પૂર્ણતા ભણી હોવાની માહિતી આપી હતી. ભુજના નાગર મહિલા આગેવાન અને અખિલ ભારતીય નાગર પરિષદના શાખા પ્રમુખ  જ્યોતિબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અ.ભા. નાગર પરિષદના મહામંત્રી તન્વીબેન ઓઝાને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ દરમ્યાન પં. નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ, મૈથિલી ઠાકુર તથા લોકગાયક ઓસમાણ મીરે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કચ્છ ઉપરાંત અમદાવાદ, વડોદરા સહિતના જ્ઞાતિજનો પણ હાજર રહ્યા હતા. આ પૂર્વે વડનગરમાં હાટકેશ્વર મંદિર ખાતે કચ્છના ગ્રુપે પૂજન-અર્ચન અને શિવમહિમ્ન સ્તોત્રનું સમૂહપઠન કર્યું હતું. બાદમાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિખિલભાઇ વ્યાસનું હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ વતી ઇલાબેન છાયા તેમજ દેવાંગનાબેન છાયાએ સન્માન કર્યું હતું. હાટકેશ સેવા મંડળ અને સ્વ. હિનાબેન અંતાણી અને સ્વ. સંજયભાઇ હાથી પરિવાર દ્વારા દીપમાળા કરાઇ હતી. મંત્રી શ્રી બેરા તથા ઓસમાણ મીરનું હાટકેશ સેવા મંડળના પ્રમુખ વિભાકર અંતાણી, જીતુભાઇ છાયા, હસમુખ વોરા, જ્યોતિશ ધોળકિયા, ભુજ મંદિરના પૂજારી કનુભાઇ વ્યાસ, જયેશ ધોળકિયા, પુષ્પેન્દ્ર વૈષ્નવ વિગેરેએ સન્માન કર્યું હતું. નિમિષભાઇ વોરા પણ સાથે જોડાયા હતા. સુરેશ ભટ્ટ, જીતુભાઇ, પંકિતબેન માંકડ, ઉત્પલભાઇ અંતાણીએ કાર્યક્રમ દરમ્યાન સહકાર આપ્યો હતો. અંજાર-ગાંધીધામના સભ્યો પણ હાજર રહ્યા હતા, એવું વત્સલાબેન શુક્લા અને જયશ્રીબેન હાથીની યાદીમાં જણાવાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang