અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર્સ અને સંચાલકોની ખોરી નીતિએ
સમગ્ર તબીબી આલમની આબરુને લૂણો લગાડયો છે. સમાજમાં વિવિધ પ્રકારના વ્યવસાયીઓમાં જેમના
પર લોકોનો દૃઢ ભરોસો હોય તેવા ડોક્ટરો પણ જ્યારે મૂલ્યો અને સિદ્ધાંતો ચૂકે ત્યારે
દરેક વર્ગને આંચકો લાગવો સ્વાભાવિક છે. દર્દીને તપાસવા માટે હજારો રૂપિયાની ફી, સારવાર
કે શત્રક્રિયા માટે લાખો રૂપિયા આપવા પડતા હોવા છતાં જનતા ડોક્ટરોને ઈશ્વરના અવતાર
સમ ગણીને તેમની પાસે જાય છે. `ડોક્ટર સાહેબ સારું તો થઈ જશે ને?' તે માત્ર પ્રશ્ન નથી હોતો, પરંતુ તેમાં જિજીવિષા
અને ડોક્ટર પરનો વિશ્વાસ હોય છે. હવે આ વિશ્વાસના જવાબમાં જો દર્દીને મોત અને તેના
સગાને આઘાત મળે તો તેના પ્રત્યાઘાત અત્યંત ઘેરા પડે જ. ડોક્ટરો દ્વારા ઓપરેશનમાં ક્ષતિ
કે પછી સારવારમાં ભૂલ જેવી ઘટનાઓ બનતી રહેતી હોય છે, પરંતુ એસજી હાઈ-વે પર આવેલી ખ્યાતિ
મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મંગળવારે જે થયું તે થોડું આશ્ચર્યજનક, ઘણું બધું આંચકાજનક
અને સમગ્ર તબીબીક્ષેત્ર માટે શરમજનક હતું. કડી પાસેનાં બાલીસણા ગામમાં યોજાયેલા મેડિકલ
કેમ્પમાં 19 દર્દીને વધારે તપાસની જરૂર છે, તેવું કહીને અમદાવાદ બોલાવાયા હતા, તેમની
એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને સાત દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી નખાઈ હતી. બે દર્દીને
સ્ટેન્ટ બેસાડાયા તેમનાં મૃત્યુ થયાં હતાં. અત્યંત નિંદનીય બાબત એ છે કે, આ દર્દીને
કે તેમના સગાને એવી જાણ કરાઈ નહોતી કે તેમનાં હૃદયની સારવાર માટે સ્ટેન્ટ બેસાડાઈ રહ્યા
છે. સાજા થવા આવેલા દર્દી પૈકી બે તો જીવતા જ રહ્યા નહીં. દર્દીના સગાઓનો રોષ ભભૂકી
ઊઠવો સ્વાભાવિક હતો. કોઈ ડોક્ટરની ભૂલથી પણ આવું તો થવું જોઈએ જ નહીં, પરંતુ અહીં તો
ભૂલ નહીં પરંતુ બદઈરાદો હતો. કેન્દ્ર સરકારની પીએમજય યોજના અંતર્ગત દર્દીઓને પૈસા મળતા
હોવાથી મોટાં ઓપરેશન-તબીબી પ્રક્રિયા કરીને કમાઈ લેવાની મેલી મુરાદને લીધે ખ્યાતિ હોસ્પિટલમાં
આ ખતરનાક ખેલ ખેલાયો. રાજકોટનો ટીઆરપી અગ્નિકાંડ હોય, વડોદરાનો હરણી બોટકાંડ કે આ ખ્યાતિ
હોસ્પિટલનો ખેલ, સવાલ એક જ છે કે, આ પ્રાઈવેટ સેક્ટરને, નિજી ધોરણે વેપાર કે વ્યવસાય
કરનારને વહીવટીતંત્ર, પોલીસ, કાયદાનો ડર કેમ નથી ? ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓનો, સામાન્ય
જનતાનો ભરોસો તો તોડયો જ છે, સાથે જ સરકારની સારી યોજનાનો દુરુપયોગ કરવાનો અપરાધ પણ
કર્યો છે અને કાયદાનો કોઈ ડર તેના સંચાલકોને નથી તેવું સાબિત કર્યું છે. બે દર્દીનાં
મૃત્યુ થયાં તેથી આ પ્રકરણ બહાર આવ્યું, રાજ્યની અન્ય હોસ્પિટલોમાં આવો ધંધો ચાલુ નહીં
હોય તેની ખાતરી શું? ક્યાં સુધી આમ નિર્દોષ માણસો મરતા રહેશે? રાજકોટના ગેમઝોન પછી
જે જાહેરાત થઈ તે આ વખતે પણ થઈ કે હવે નિયમો-એસઓપી ઘડશું. શું દરેક પ્રકારના નિયમો
માટે આપણે દુર્ઘટનાની રાહ જોવાની છે? માણસે જીવવા માટે પણ હવે સરકારી નિયમોના ઓશિયાળા
રહેવાનું છે? ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બનેલી ઘટના બેદરકારી કે ભૂલ? સંજોગ
કે અકસ્માત નથી. કોવિડ સમય દરમ્યાન અમદાવાદ કે રાજકોટની હોસ્પિટલોમાં લાગેલી આગના બનાવો
પર ઢાંકપિછોડો કરી દેવાયો હતો, પરંતુ આ અકસ્માત નથી. આ જાણીજોઈને, પૈસા કમાવા માટે
દર્દીઓ સાથે કરાયેલી છેતરપિંડી છે. સરકારે તો પોતાની રીતે કાર્યવાહી આરંભી છે, પરંતુ
ઈન્ડિયન મેડિકલ એસોસીએશન, મેડિકલ કાઉન્સિલ જેવી સંસ્થાઓ પણ આગળ આવે અને સત્ય ઉજાગર
થયા પછી તટસ્થ રહે તે જરૂરી છે. પોલીસે ઘટનાની સાંજથી જ પ્રકરણની તપાસ શરૂ કરી દીધી
છે. બીજી તરફ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી ખ્યાતિ હોસ્પિટલને પીએમજય યોજનામાંથી બાકાત
કરી છે. સરકાર પોતે ફરિયાદી બનશે તેવા પણ સમાચાર છે. જે 12 દર્દીની એન્જિયોગ્રાફી કરાઈ
હતી તેમની પુન: તપાસ માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં તેમને ખસેડાયા છે. જેમણે આ ઓપરેશન
કર્યાં છે, તે ડોક્ટર્સ અન્યત્ર ક્યાંય ઓપરેશન કરી શકશે નહીં. આટલા પૂરતી સરકારની ત્વરા
આવકાર્ય છે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે જે કંઈ કરવું પડે તે શક્ય તેટલું
જલ્દી થઈ જાય તે અનિવાર્ય છે. સરકારને એસઓપી ઘડતાં પણ મહિનાઓ લાગે છે. આ એક જ પ્રકરણ
ઘણું શીખવી ગયું છે. મેડિકલ કેમ્પથી લઈને સર્જરી અને સરકારી યોજનાના અમલ, નાણાંના ઉપયોગ
બાબતે સરકારે નજર રાખવી પડે તેવી સ્થિતિ છે. ડોક્ટર્સ પરથી તો વિશ્વાસ ઊઠી જાય તેવી
આ ઘટના છે જ પરંતુ સરકાર-વહીવટીતંત્ર, કાયદા ઉપર પણ વિશ્વાસ બેસે તે માટે આ પ્રકરણમાં
અત્યંત નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થવી અનિવાર્ય છે.