• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

શાકાહારી થાળી મોંઘી થઇ

આર્થિક વિકાસના આંકડાની ચમકદમક વચ્ચે મોંઘવારીની કડવી વાસ્તવિક્તા ચિંતાજનક ચિત્ર ખડું કરે છે. સામાન્ય રીતે મોંઘવારીની અસરમાં વધરો કે  ઘટાડો થતો હોય છે, પણ હાલના  સમયમાં મોંઘવારીમાં સતત વધારો નોંધાઇ રહ્યો  હોવાને લીધે સામાન્ય અને મધ્યમવર્ગના ઘેરલુ બજેટ સતત ખોરવાયેલાં રહે છે.  મોંઘવારીમાં અસહ્ય  વધારો તમામ સ્તરે અનુભવાઇ રહ્યો છે. સામે  આવેલા આંકડા મુજબ એક વર્ષ અગાઉની સરખામણીએ શાકાહારી થાળીની કિંમતમાં 20 ટકા જેટલો વધારો થયો છે. શાકાહારી થાળી માટે ચાવીરૂપ એવા શાકભાજીના ભાવો બેલગામ બની જવાને લીધે સામાન્ય વર્ગને ભોજનમાં મોટી બાંધછોડ કરવી  પડી રહી છે. ખાસ તો થાળીમાંથી શાકભાજી દિવસોદિવસ ઓછાં થઇ  રહ્યાં છે. હાલત એવી છે કે, ગયાં વર્ષની  સરખામણીએ  ડુંગળીના ભાવોમાં 45 ટકા જેટલો વધારો થયો  છે, તે જ રીતે બટેટાના ભાવો 50 ટકા વધ્યા છે. ટમેટાના  ભાવ કિલોએ એકસો રૂપિયાને આંબી ગયા છે.  આવી હાલતમાં સામાન્ય માનવી બજારમાં શાકભાજી ખરીદવા જાય તો છે, પણ ભાવો જાણીને ખાલી  થેલી સાથે પરત ફરે છે. ભોજનની થાળીમાં શાકભાજી આહાર અને આરોગ્ય માટે સંતુલન જાળવવા ભારે જરૂરી હોય છે, પણ ભાવોના બોજાએ આ તમામ સંતુલન ખોરવી નાખ્યાં છે. એક સમય હતો જ્યારે મોંઘવારી કાયમી બોજો ન હતી, તેની અસર હોય ત્યારે લોકો કઠોળ જેવા બીજા વિકલ્પોની મદદથી શાકભાજીની ભરપાઇ કરી લેતા હતા, પણ હવે કઠોળ પણ શાકભાજીની જેમ મોંઘવારીની અસરથી અળગા રહ્યા ન હોવાથી સામાન્ય વર્ગની હાલત કફોડી બની રહી છે. હાલત એવી છે કે, લોકોને કરકસર કરવાની ફરજ પડી રહી છે.આમાં સંખ્યાબંધ જરૂરતોમાં કાપ મુકાઇ રહ્યો છે, જેમાં થાળીમાં આરોગ્યપ્રદ શાકભાજીની બાદબાકી કરવાનું ચલણ વધ્યું છે.  ખેરખર તો સરકારે હવે મોંઘવારીને આંકડાકીય રાહતનાં ગુલાબી ચિત્રથી માપવાને બદલે વાસ્તવિક સ્થિતિ પર નજર કરીને સામાન્ય વર્ગને કમસેકમ ભોજનમાં કાપકૂપ કરવી ન પડે તે માટે ધ્યાન આપવાની ખાસ જરૂરત વર્તાઇ રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang